સોની બજારમાં ‘ગોલ્ડ લોન’ના નામે રૂા.૫.૨૦ લાખની છેતરપિંડીનો પર્દાફાશ કરતી કીતિર્મંદિર પોલીસ
દાગીના બેંકમાં ગીરવે મુક્યા હોવાનું કહી બે સોની વેપારીઓ પાસેથી નાણાં પડાવનાર પોરબંદર છાયાના બે શખ્સોને પકડી પાડતી કીતિર્મંદિર પોલીસ રૂા.૧.૮૮ લાખ રિકવર
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧ર
પોરબંદર સોની બજારમાં સોનાના દાગીનાની લે-વેચનો વ્યવસાય કરતા વેપારીઓને ગ્રાહક બની મળીને, પોતાના દાગીના બેંકમાં ગીરવે મુક્યા હોવાનું જણાવી ગોલ્ડ લોન ભરપાઈ કરી દાગીના છોડાવી વેપારીને જ વેચવાના બહાને નાણાં પડાવી લીધા બાદ દાગીના કે રૂપિયા પરત નહીં કરી છેતરપિંડી કરનાર બે આરોપીઓને કીતિર્મંદિર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧,૮૮,૦૦૦ની રકમ રિકવર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પટેલનગર, મેઈન રોડ, રાજીવ નગર, પોરબંદરના ફરિયાદી મહેશ ભગવાનજીભાઈ જોગીયાની ફરિયાદ મુજબ, તા.૦૯/૦૯/૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧:૨૦ વાગ્યે છાયા દરબારગઢ મસ્જિદ પાછળ રહેતો સેજાદ યુસુફભાઈ મીરાં તેમની દુકાને આવ્યો હતો. તેણે પોતાના સોનાની બે બંગડી અને એક વીંટી સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી એસ.બી.આઈ. બેંકમાં ગીરવે મુકેલા હોવાનું જણાવી દાગીના છોડાવવા માટે રૂ.૨.૨૦ લાખની જરૂર હોવાનું કહ્યું હતું. આ વાત પર વિશ્વાસ રાખી ફરિયાદીએ સેજાદને રૂ.૨.૨૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ તથા બેંકની લોન સ્લીપ આપવાના બહાને તે ફરિયાદીને છાયા દરબારગઢ મસ્જિદ પાછળ પોતાના રહેઠાણે લઈ ગયો હતો. જોકે બાદમાં સેજાદ પરત દુકાને આવ્યો ન હતો અને મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં પણ કોઈ જવાબ મળ્યો ન હતો. એસ.બી.આઈ. બેંકમાં તપાસ કરતાં સેજાદના નામે સોનાના દાગીના ગીરવે મુકાયા જ ન હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં સોની બજારમાં ‘ગજાનંદ જવેલર્સ’ નામની દુકાન ચલાવતા અન્ય સોની વેપારી સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી રૂ.૩.૩૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આમ, બંને વેપારીઓ પાસેથી કુલ રૂ.૫.૨૦ લાખની છેતરપિંડી અંગે કીતિર્મંદિર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. પાર્ટ-એ-૦૬૩૯/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૧૮(૪) મુજબ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા કીતિર્મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એમ.પી. મોરી તથા સ્ટાફે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે સેજાદ યુસુફ મીરાં, રહે. છાયા જુમ્મા મસ્જિદ પાછળ, પોરબંદર અને પ્રવીણ મનસુખભાઈ પરમાર, રહે. છાયા મહાકાલેશ્વર મંદિર પાછળ, પોરબંદરને શોધી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂા.૧,૮૮,૦૦૦ની રકમ રિકવર કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સોની વેપારીઓની દુકાને ગ્રાહક બની જઈ પોતે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીમાં સોનાના દાગીના ગીરવે મુક્યા હોવાનું કહેતા હતા. ત્યારબાદ દાગીના છોડાવી વેપારીને જ વેચવાના હોવાનું જણાવી ગોલ્ડ લોનની રકમ વેપારી પાસે ભરાવડાવી, બેંક ખાતામાં રૂપિયા જમા કરાવી લેતા અને ત્યારબાદ દાગીના આપ્યા વગર છેતરપિંડી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.


