સેવા સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા જૂનાગઢમાં યોજાયેલા ત્રણ મેડિકલ કેમ્પમાં 200થી વધુ લોકોએ લાભ લીધો
જૂનાગઢ, તા.14
વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગદળ, જૂનાગઢ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત જૂનાગઢ તેમજ બીલખા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમ્યાન કુલ 200થી વધુ નાગરિકોએ નિ:શુલ્ક આરોગ્ય તપાસ, તબીબી માર્ગદર્શન તેમજ જરૂરી દવાઓનો લાભ લીધો હતો.
ગિરનાર પ્રખંડ હેઠળ ભોઈ સમાજની વાડી (દાતાર રોડ), સિદ્ધનાથ પ્રખંડ હેઠળ કેશરી નંદન હનુમાનજી મંદિર (આશિયાના સોસાયટી, જાેષીપરા) તેમજ બીલખા ગ્રામ્ય પ્રખંડ હેઠળ સગર સમાજની વાડી (બસ સ્ટેશન પાછળ, બીલખા) ખાતે યોજાયેલા કેમ્પોમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
કેમ્પમાં ડૉ. જિતેન્દ્ર તન્ના (Associate Professor, Forensic Medicine & Toxicology), ડૉ. કુશલ શાહ, ડૉ. ભગીરથ શ્રીમાળી, ડૉ. વસુ લાખાણી, ડૉ. પાર્થ ફળિયા, ડૉ. ગિરધર મોવલિયા, ડૉ. ટ્વિશા પાવાગઢી તથા ડૉ. રિતિકા ગોપલાણી (GMERS મેડિકલ કોલેજ, જૂનાગઢ) સહિતના તબીબોએ સેવાભાવથી દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી સલાહ અને નિ:શુલ્ક દવાઓનું વિતરણ કર્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગદળના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના મંત્રી વિપુલભાઈ રાવત તથા બજરંગદળ જૂનાગઢ મહાનગરના સંયોજક હિતેષભાઈ મેર એ કેમ્પને સફળ બનાવવા બદલ તબીબો, સિવિલ હોસ્પિટલના અધિકારીઓ, સેવાભાવી કાર્યકર્તાઓ તેમજ ઉપસ્થિત તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


