૧૯ વર્ષીય વિદ્યાર્થીના અભ્યાસ માટે અવરોધરૂપ બનતા પરિવાર સામે સખી વન સ્ટોપ સેન્ટર અને સેવાભાવી ટ્રસ્ટના સભ્યની સમય સૂચકતાના કારણે યુવતીએ સુરક્ષિત રીતે કોલેજની પરીક્ષા આપી

૧૯ વર્ષીય વિદ્યાર્થીના અભ્યાસ માટે અવરોધરૂપ બનતા પરિવાર સામે સખી વન સ્ટોપ સેન્ટર અને સેવાભાવી ટ્રસ્ટના સભ્યની સમય સૂચકતાના કારણે યુવતીએ સુરક્ષિત રીતે કોલેજની પરીક્ષા આપી

રાજકોટ તા. ૫ 
આજના આધુનિક યુગમાં રાજકોટની એક દીકરીને તેના પરિવારના સભ્યો જ અભ્યાસ માટે અવરોધરૂપ બનતા રાજકોટનું સખી વન સ્ટોપ સેન્ટર અને સેવાભાવી ટ્રસ્ટના સભ્યએ સમયસૂચકતા વાપરીને ૧૯ વર્ષીય યુવતીનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત કર્યું છે.
રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા શ્રી યાસ્મીન બહેન અને શ્રી કલ્પના બહેનના જણાવ્યા અનુસાર, અરજદાર યુવતી જીઅ.મ્છમાં અભ્યાસ કરી રહી છે. યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેણીના માતા પિતા અને મોટી બહેન અભ્યાસ બાબતે માનસિક ત્રાસ આપી રહ્યા છે. મોટી બહેન દ્વારા ચારિત્ર્ય ઉપર શંકા કરીને કોલેજ જતી ન હોવાના ગંભીર આક્ષેપો લગાવવાની સાથે મારપીટ કરીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.
યુવતીને કોલેજની પરીક્ષા ન આપવાનું દબાણ કરતાં ડરના કારણે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેના આધારે યુવતીને રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવતીની આ કપરી સ્થિતિમાં સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર શ્રી રૂપલબહેન શાહના સહકારથી યુવતીને પરીક્ષા ખંડમાં સુરક્ષિત રીતે પહોંચાડીને પરીક્ષા પૂર્ણ થયા બાદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પરત મૂકી જવામાં આવતી હતી. યુવતીએ સખી વન સ્ટોપ સેન્ટર અને શ્રી રૂપલબહેન શાહનો આભાર માનતા જણાવ્યું હતું કે, આજે તેઓના કારણે  શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધીને કોલેજની પરીક્ષામાં હાજર રહી શક્યા.  સમગ્ર પરિસ્થિતિમાં સખી વન સ્ટોપ સેન્ટર યુવતીનો મજબૂત ટેકો બનીને ઉભું રહ્યું હતું. તેણીનું કાઉન્સેલિંગ કરીને માત્ર પરીક્ષા અપાવવા પૂરતી જ નહીં, પણ યુવતીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને સતત સપોર્ટ આપવાની ખાતરી આપીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આમ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓના સર્વાંગી કલ્યાણ, સુરક્ષા અને અધિકારો માટે હંમેશા તત્પર છે.