અમેરીકા-ઈરાને એકબીજા પરના હુમલાને બ્રેક મારતા ક્રુડના ભાવમાં 7 ટકાનો ઘટાડો
(એજન્સી) નવી દિલ્હી, તા.27
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાને સતત બીજા દિવસે સામસામા હુમલાને બ્રેક મારતા ક્રૂડતેલમાં 15 ડોલરનો મોટો કડાકો સર્જાયો છે. બંને દેશો વચ્ચે નવેસરથી ભડકેલું યુધ્ધશાંત થવાની આશા જાગતા ક્રૂડમાં સાત ટકાનું ગાબડુ પડ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ નીચામાં 86 ડોલર સરકી ગયા બાદ રિકવર થઇને 91 ડોલર બોલાતું હતું. ડબલ્યુટીઆઇ ક્રૂડના 84.68 ડોલર હતા. કરન્સી માર્કેટમાં પણ પડઘો હોય તેમ ડોલર સામે રૂપિયો 32 પૈસા વધીને 96.24 ડોલર થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહેલા સૈન્ય તણાવમાં અચાનક વિરામ આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે બજાર ખુલતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં મોટો કડાકો બોલાયો હતો અને ભાવ ઘટીને 100 થી 86 પ્રતિ બેરલના મહત્ત્વપૂર્ણ સ્તરથી પણ નીચે પહોંચી ગયો છે.


