અમેરીકામાં ગુજરાતી મહિલા સહિત બે ભારતીયોની કરપીણ હત્યા : ખળભળાટ

અમેરીકામાં ગુજરાતી મહિલા સહિત બે ભારતીયોની કરપીણ હત્યા : ખળભળાટ

(એજન્સી)      વોશિંગ્ટન, તા.૧૯
ભારતીયોના ડિપોર્ટેશન, ટેરિફવોર સહિતના મામલે ભારત-અમેરિકી સંબંધોમાં કડવાશ વચ્ચે એક ગુજરાતી સહિત બે ભારતીયોની અમેરિકામાં હત્યા થતા ભારે હોબાળો સર્જાયો છે. અમેરિકી તંત્ર સાથે ભારતીય સમુદાયે આરોપ લગાવ્યા છે. કોરોલાઈનામાં ફુડ માર્ટ ચલાવતી ગુજરાતી મહિલાની લુંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. જયારે કેલિફોનિર્યામાં ભારતીય સોફટવેર એન્જીનીયરની પોલીસે જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
એક ગુજરાતી સહિત બે ભારતીયોની હત્યાથી ભારતીય સમુદાય સ્તબ્ધ બની ગયો છે.
સાઉથ કેરોલાઈનાની યુનિયન કાઉન્ટીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ગેસ સ્ટેશન કમ સ્ટોર ચલાવતા એક ગુજરાતી મહિલાની ગોળી મારી કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ કિરણ પટેલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે જેમની ઉંમર ૪૯ વર્ષ હતી, આ ઘટના બની ત્યારે તેઓ સ્ટોરમાં એકલા જ હતા. કિરણ પટેલ ડીડી‘સ ફુડ માર્ટ નામનો બિઝનેસ ચલાવતા હતા.
મૃતકને શૂટ કરાયા તે ઘટનાનો એક હચમચાવી દે તેવા બે સર્વેલન્સ વિડીયોમાં જોઈ શકાય છે કે લૂંટ કરવાના ઈરાદે આવેલા એક શખસે કિરણ પટેલને ગન બતાવી પૈસા માગ્યા હતા અને તે વખતે જ તેણે એક રાઉન્ડ ફાયર પણ કર્યો હતો. તા.૧૬ સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા દસ વાગ્યે બનેલી આ ઘટનામાં કિરણ પટેલ કેશ ગણી રહ્યા હતા ત્યારે જ લૂંટારાએ આવીને ‘યુ નો...‘ માત્ર એટલું જ કહ્યું હતું અને તેના જવાબમાં કિરણ પટેલે હા પાડી હતી. ત્યારબાદ આ લૂંટારો કેશ રજિસ્ટર પર ચઢીને કિરણ પટેલ ઉભા હતા ત્યાં જ આવી ગયો હતો અને કિરણ પટેલ તેને કેશ આપે તે પહેલા જ તેણે ગોળી મારી દીધી હતી.