શ્રાદ્ધપક્ષ શરૂ થતાં જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની બજારોમાં ખરીદીને બ્રેક : બજારોમાં મંદી

શ્રાદ્વના દિવસો પુરા થયા બાદ પ્રથમ નવરાત્રીથી ખરીદી શરૂ થશે : હાલ મંદી હોવાથી વેપારીઓ નવરાત્રી અને દિવાળી માટેની તૈયારીમાં લાગી ગયા

શ્રાદ્ધપક્ષ શરૂ થતાં જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની બજારોમાં ખરીદીને બ્રેક : બજારોમાં મંદી
શ્રાદ્ધપક્ષ શરૂ થતાં જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની બજારોમાં ખરીદીને બ્રેક : બજારોમાં મંદી

જૂનાગઢ તા.૯
શ્રાદ્વપક્ષનો પ્રારંભ થતાં જ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં મંદીનો દોર શરૂ થયો છે.  શ્રાદ્વનાં આ દિવસોમાં લગ્ન સહીત શુભ પ્રસંગોની ખરીદીને બ્રેક લાગી ગઈ છે. 
હવે પહેલા નોરતાથી ખરીદી કાર્ય શરૂ થશે તેમ મનાય છે.
શ્રાદ્ધમાં લોકો ખરીદી કરવાની કે શુભમુહૂર્ત કે ગૃહ પ્રવેશ કરવાનું ટાળતા હોય છે. જેને પગલે શ્રાદ્ધની શરૂઆતથી જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની બજારોમાં મંદી શરૂ થઈ ગઈ છે. પવિત્ર શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે. જે દિવાળી સુધી ચાલતા હોય છે. આ દિવસોમાં દિવાળી બાદ આવતા લગ્નસરાની ખરીદી શરૂ થઈ જતી હોય છે. જેને પગલે બજારોમાં તેજી જાેવા મળતી હોય છે. આ દિવસો દરમ્યાન શ્રાદ્ધના ૧૬ દિવસમાં લોકો પિતૃ તર્પણમાં વ્યસ્ત થઈ જતા હોય છે. આ દિવસોમાં લોકો ખરીદી કરવાનું કે કોઈ શુભ કામ કરવાનું ટાળતા હોય છે. જેને પગલે બજારમાં ખરીદી બંધ થઈ ગઈ છે. 
હવે લગ્નસરા માટેની ખરીદી પહેલી નવરાત્રિથી શરૂ થશે. જૂનાગઢની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ દર વર્ષે વેચાણ વધતું હોય છે, પરંતુ શ્રાદ્ધના ૧૬ દિવસ નવી ગાડી કે ટુ વ્હીલરની ખરીદી લગભગ બંધ રહે છે. માંગનાથમાં પણ શ્રાદ્ધથી લોકોની ભીડ ઘટી ગઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે સોનાના ભાવ વધવા છતાં સોની બજારમાં જે થોડી ઘણી ખરીદી થતી હતી તે પણ પહેલા શ્રાદ્ધથી જાણે સ્થિગિત થઈ ગઈ હોવાનું સોની બજારના વેપારીઓ જણાવી રહ્યાં છે. આ ઉપરાંત જૂનાગઢમાં રિઅલ એસ્ટેટમાં સતત તેજી વધતી રહી છે. દરરોજ નવી સ્કીમના ભૂમિપૂજન થતા હોય છે અને જે સ્કીમ તૈયાર થઈ ગઈ હોય તેમાં ફર્નિચર બનાવી લોકો ગૃહ પ્રવેશ કરતા હોય છે. આ તમામ શુભ પ્રસંગો અટકી ગયા છે. બજારમાં મંદી હોવાથી શ્રાદ્ધનાં દિવસો દરમ્યાન જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વેપારીઓ નવરાત્રિ અને દિવાળીની તૈયારીઓમાં લાગી જતા હોય છે. આ દિવસોમાં નવા કપડાં કે અન્ય એસેસરિઝનો સ્ટોક કરવો કે પછી દુકાનમાં સુધારા વધારા કરવા કે પછી સ્ટાફ વધારવા જેવી કામગીરી પૂર્ણ કરી દેતા હોય છે. એટલે આ ૧૬ દિવસમાં ગ્રાહકોની વાટ જાેતા વેપારીઓને પહેલી નવરાત્રિથી જરા પણ ફુરસદ મળતી નથી.