આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PMએ સ્વિકાર્યું ઓપરેશન સિંદૂર દરમ્યાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

ઇશાક ડારે કબૂલાત કરતા જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતે એરબેઝ પર ભારે બોમ્બમારો કર્યો હતો

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PMએ સ્વિકાર્યું ઓપરેશન સિંદૂર દરમ્યાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
Sentinel (Assam)

ઈસ્લામાબાદ, તા.૨૯
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે એક મોટી કબૂલાત કરતા જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે તેમના નૂર ખાન એરબેઝ પર ભારે બોમ્બમારો કર્યો હતો. 
તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર એ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલ એક આતંક વિરોધી ઓપરેશન હતું, જે 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરવામાં આવ્યું હતું. તે હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ જમ્મુ-કાશ્મીરની બૈસરન વેલીમાં રજાઓ માણી રહેલા 26 નિર્દોષ નાગરિકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા ઇશાક ડાર, જેઓ પાકિસ્તાનના વિદેશ મંત્રી પણ છે, તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે આ હુમલો થયો હતો. તેમણે એરબેઝનું નામ લઈને સ્પષ્ટ કર્યું કે નૂર ખાન એરબેઝને નુકસાન થયું હતું.
ઇશાક ડારે જણાવ્યું કે પાકિસ્તાન પર કુલ 80 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જાેકે, તેમણે શેખી મારતા એમ પણ કહ્યું કે તેમાંથી 79 નિષ્ફળ રહ્યા હતા અને માત્ર એક જ સફળ થયો હતો જે નૂર ખાન એરબેઝ પર લાગ્યો હતો. પરંતુ તેમણે એ વાત છુપાવી હતી કે ભારતે માત્ર નૂર ખાન જ નહીં, પણ પાકિસ્તાનના અન્ય 9 એરબેઝ પર પણ હુમલા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં ભારતીય સશસ્ત્ર દળોના વડાઓ અને DGMO દ્વારા સંબોધવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દુનિયા સમક્ષ પુરાવા તરીકે તસવીરો અને ફૂટેજ દર્શાવ્યા હતા કે કેવી રીતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK)માં આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
આતંકી ઠેકાણાઓનો નાશ: પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) મુજબ, ભારતે પાકિસ્તાન અને PoJKમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ૯ મુખ્ય આતંકી લોન્ચપેડનો નાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા.
મોસ્ટ વોન્ટેડ આતંકીઓનો સફાયો: એક જ રાતમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદાસિર અહેમદ જેવા હાઈ-પ્રોફાઈલ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકીઓ IC-814 હાઈજેક અને પુલવામા બ્લાસ્ટ સાથે સંકળાયેલા હતા. 
ભારતે ૯ આતંકી ઠેકાણાઓ પર સચોટ મિસાઈલ હુમલા કર્યા હતા. તેમાંથી 4 પાકિસ્તાનમાં (બહાવલપુર અને મુરિદકે સહિત) અને 5 PoJKમાં (મુઝફ્ફરાબાદ અને કોટલી જેવા વિસ્તારોમાં) આવેલા હતા.