આનંદો.. ચાલુ વર્ષે ૯પ ટકા વરસાદ થશે : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી
‘હીટવેવનો રાઉન્ડ પુરો’, ભેજવાળા પવનોને કારણે ગરમી-બફારો અને ઉકળાટ ૩૦ જુન સુધી રહેશે
જૂનાગઢ તા. ર૧
સમગ્ર જીવસૃષ્ટી માટે જીવનનાં મહત્વનાં આધાર એવા ચોમાસુ ગણાય છે. ચોમાસુ કેવુ થશે તેના ઉપર જીવન આધારીત છે. ત્યારે ચાલુ વર્ષનું ચોમાસુ ખુબ જ સારૂ રહેશે અને ચોમાસા દરમ્યાન ૯પ ટકા વરસાદ થશે તેવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. જેને લઈને ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
ચોમાસુ નજીક આવી રહયુ છે પરંતુ ચોમાસુ શરૂ થાય તે પહેલા અહસય ગરમી ઉકળાટ અને બફારાના માહોલ વચ્ચે જનજીવન સેકાઈ રહયું છે. ચૈત્ર માસની શરૂઆતથી જ ઉનાળાનાં દિવસો શરૂ થયા હતાં. વૈશાખ માસમાં તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર થઈ જતાં જૂનાગઢ સહીત રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જારી રહયો હતો. અને જનજીવન પ્રભાવિત બન્યું છે. ગરમીના આ દિવસોમાં હીટવેવ, યલો એલર્ટમાંથી પસાર થવું પડયુ છે. સખ્ત ગરમીના કારણે લૂ લાગવાના બનાવો પણ સંખ્યાબંધ નોંધાયા છે. દરમ્યાન હાલ તાપમાનમાં સરેરાશ ઘટાડો થઈ રહયો છે પરંતુ અસહય ઉકળાટ, ગરમી અને બફારા જેવા વાતાવરણ વચ્ચે જનજીવન પ્રભાવિત બનેલુ છે.
દરમ્યાન જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં કયા કારણથી આજે ઉકળાટ બફારા જેવુ વાતાવરણ રહયું છે તે અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારે પ્રિમોન્સુન એકટીવીટી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે જે ર૮ મે સુધી ચાલુ રહેવાની છે. આ દિવસો દરમ્યાન છુટાછવાયા હળવાથી ભારે વરસાદનાં ઝાપટા પડે તેવી શકયતા દર્શાવી હતી. આ ઉપરાંત તાપમાન ૩૬ થી ૩૮ ડીગ્રી રહેશે તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. આ સાથે જ તેઓએ જાહેરાત કરી હતી કે હીટવેવનો રાઉન્ડ પુરો થયો છે. પરંતુ ગરમી, બફારો અને ઉકળાટ શરૂ થયો છે અને ૩૦ જુન સુધી આવુ જ વાતાવરણ રહેશે તેમ જણાવ્યું હતું. વિશેષમાં હાલ જે ગરમી અને બફારો થવાના કારણમાં જણાવ્યું હતું કે પશ્ચિમ દિશામાંથી અરબી સાગરમાંથી ભેજવાળા પવનો ફુંકાય છે અને જેને લઈને તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ ભેજવાળા પવનોને લઈને બફારો અને ઉકળાટ સતત ચાલુ રહયા છે. વધુમાં ચોમાસા અંગેની મહત્વની જાહેરાત કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષનુ ચોમાસુ ૧પ જુનની આસપાસ શરૂ થશે અને આ વર્ષનુ ચોમાસુ ખુબ જ સારૂ રહેશે. ૯૦ થી ૯પ ટકા વરસાદ થવાની આગાહી તેઓએ કરી હતી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની સારા ચોમાસાની આગાહીને પગલે આગામી ચોમાસુ ખુબ જ સારૂ રહેવાની શકયતા નિશ્ચિત બની છે અને જેને લઈને ખાસ કરીને ખેડૂત વર્ગ અને આમજનતામાં આનંદની લાગણી પ્રસરી છે.


