આર્થિક સુરક્ષાના અભ્યાસક્રમ અંતર્ગત દેશ-વિદેશના સૈન્ય અને સિવિલ સર્વિસિસના અધિકારીઓ ગુજરાતના પ્રવાસે
નેશનલ ડિફેન્સ કોલેજના અભ્યાસક્રમમાં સહભાગી થઈ રહેલા ઉચ્ચ અધિકારીઓની ટીમે લોકભવન ખાતે રાજ્યપાલશ્રીની સૌજન્ય મુલાકાત લીધી
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આજે નવી દિલ્હીની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ કોલેજના અભ્યાસક્રમમાં સહભાગી થઈ રહેલા ઉચ્ચ અધિકારીઓની એક ટીમે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. રીઅર એડમીરલ શ્રી સંદિપ સિંઘ સંધુના નેતૃત્વમાં આવેલી આ ટીમમાં ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ ઉપરાંત મિત્ર દેશોના સૈન્ય પ્રતિનિધિઓ અને સિવિલ સર્વિસિસના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ NDC ના અધિકારીઓ સાથેની આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રની સુરક્ષા તેની આર્થિક મજબૂતી પર નિર્ભર હોય છે. આર્થિક સુરક્ષાના પાસાં પર ચર્ચા કરતા તેમણે પ્રાકૃતિક ખેતીને દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર ગણાવી હતી. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જ્યારે દેશનો ખેડૂત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવે છે, ત્યારે ખાતર પર અપાતી અબજો રૂપિયાની સબસિડી બચે છે અને જમીન તેમજ માનવ સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે. આ સાચા અર્થમાં દેશની 'આર્થિક સુરક્ષા' છે.
ટીમના સભ્યોએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ વિશે રાજ્યપાલશ્રી સાથે રસપ્રદ ચર્ચાઓ કરી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગિફ્ટ સિટી, રિન્યુએબલ એનર્જી અને કૃષિ ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે. ગુજરાતના ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ આપી રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ અધિકારીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, દેશના સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં NDC નું યોગદાન અતુલ્ય છે. સૈન્ય અને નાગરિક સેવાઓના અધિકારીઓનું આ સંકલન રાષ્ટ્રની સુરક્ષા નીતિઓને વધુ સચોટ બનાવવામાં મદદરૂપ થશે.
રીઅર એડમીરલ શ્રી સંદિપ સિંઘ સંધુએ રાજ્યપાલશ્રીના પ્રેરણાદાયી માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે તેમના સમર્પણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




