ઉના વેરાવળ રોડ પર વધુ એક ગંભીર અકસ્માત સ્કૂટરના બે ટુકડા, પાલિકાના ટેમ્પાને પણ ભારે નુકસાન
(નવિન જાેષી દ્વારા)
ઉના તા. 25
ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલ એમઆરએફ ટાયરના શોરૂમ નજીક આજે બુધવારે જ્યુપિટર સ્કૂટર નંબર GJ 32 AL-5421 ઉપર વિષ્ણુ વિજય (ઉ. વ. 21) પુર ઝડપે ચલાવી અને નગરપાલિકાના ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિજય વિષ્ણુભાઈ નામના યુવકને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું સ્કૂટર બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું, સ્કૂટર નું સ્પીડો મીટર તૂટી બહાર આવી ગયું હતું જેમાં સ્પીડ 60 ઉપર કાટો જાેવા મળી રહ્યો છે જ્યારે નગરપાલિકાના ટેમ્પાનો આગળનો ભાગ વળી ગયો હતો અને આગળનો કાચ પણ તૂટી ગયો હતો.
અકસ્માતનો જાેરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત વિજય વિષ્ણુભાઈને તાત્કાલિક બાઇક પર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ વિજય વિષ્ણુભાઈ ઉનાથી વેરાવળ તરફ સ્કૂટર પર જઈ રહ્યા હતા. MRF ટાયરના શોરૂમ નજીક પહોંચતા સામેથી આવી રહેલા નગરપાલિકાના ટેમ્પા સાથે તેમની સ્કૂટર ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત જ્યાં સર્જાયો છે તે સ્થળે તાજેતરમાં નગરપાલિકા દ્વારા રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું છે. રોડ સમતળ બનતા વાહનચાલકો પૂરઝડપે વાહનો દોડાવી રહ્યા છે. સ્થાનિકો તેમજ પાલિકાના સભ્યોએ આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ અનેક વખત ચીફ ઓફિસર સમક્ષ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ઉપરાંત વેરાવળ રોડ પર અનેક સ્થળોએ માર્ગના કામ હજુ પણ અધૂરા છે, જેના કારણે અકસ્માતનું જાેખમ સતત વધી રહ્યું છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં ગીર ગઢડા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે માસૂમ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમ છતાં માર્ગ સુરક્ષાને લઈને તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર અકસ્માતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હવે લોકો તાત્કાલિક સ્પીડ બ્રેકર, ચેતવણીના બોર્ડ તેમજ અધૂરા માર્ગના કામો પૂર્ણ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં વધુ કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને. સ્થાનિકોનું કહેવું છે કે જાે સમયસર જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો આ માર્ગ પર વધુ ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.



