એડવોકેટ સ્વ. પી.ડી. ગઢવીની પ્રથમ ર્વાષિક પુણ્યતિથિ તથા ન્યુ લાઇફ કેર હોસ્પિટલના પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રક્તદાન શિબિર યોજાઈ

દિવંગતની સ્મૃતિમાં યોજાયેલ રક્તદાન શિબિર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની, હોસ્પિટલની સેવાઓને લોકોનો ભરપૂર પ્રેમ અને સહકાર મળ્યો : ડો. કે.પી. ગઢવી

એડવોકેટ સ્વ. પી.ડી. ગઢવીની પ્રથમ ર્વાષિક પુણ્યતિથિ તથા ન્યુ લાઇફ કેર હોસ્પિટલના પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રક્તદાન શિબિર યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.18
જૂનાગઢના જુના અને જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કે. પી. ગઢવીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, અદ્યતન અને સેવાભાવી હોસ્પિટલ તરીકે ઓળખાતી ન્યુ લાઇફ કેર હોસ્પિટલ દ્વારા માનવસેવાનું એક અનોખું ઉદાહરણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. એડવોકેટ સ્વ. પી.ડી. ગઢવીની પ્રથમ પુણ્યતિથિ તથા ન્યુ લાઇફ કેર હોસ્પિટલની ચોથી વર્ષગાંઠ નિમિત્તે ડો. કે.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ઝાંઝરડા ચોકડી સ્થિત ન્યુ લાઇફ કેર હોસ્પિટલ, ત્રીજો માળ, દ્વારિકા પ્લાઝા ખાતે તારીખ 17 રવિવારના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, યોગીભાઈ પઢિયાર સહિત શહેરના સેવાભાવી યુવાનો, ડોક્ટરઓ, સામાજિક આગેવાનો, મહિલાઓ, જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ, સત્યમ સેવા યુવક મંડળ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વ. પી.ડી. ગઢવીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે ન્યુ લાઇફ કેર હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ડો. કે.પી. ગઢવી અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. શિબિર દરમિયાન કુલ 101 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર પોતાના રક્તનું દાન કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી. એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું. ડો. કે.પી. ગઢવીએ જણાવ્યું હતું કે, સ્વ. પી. ડી. ગઢવી જીવનભર માનવ સેવા, સમાજ પ્રત્યેની લાગણી અને પરોપકારની ભાવના સાથે જોડાયેલા રહ્યા હતા. તેમની યાદને ચિરંજીવ રાખવા તેમજ સમાજમાં સેવા અને રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા શુભ આશય સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલના ડોક્ટર મિત્રો, ર્નસિંગ સ્ટાફ, સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન સેવાભાવ, માનવતા અને પરોપકારનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સ્વ. પી.ડી. ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ સેવાયજ્ઞે સમાજમાં એક સકારાત્મક સંદેશ પાઠવ્યો હતો કે “રક્તદાન એ મહાદાન” છે. અને કોઈના જીવનમાં નવી આશાનું કિરણ પ્રગટાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સાથે સાથે ન્યુ લાઇફ કેર હોસ્પિટલ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આરોગ્ય સેવા ક્ષેત્રે કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓને પણ લોકોએ બિરદાવી હતી. ડો. કે.પી. ગઢવીએ વોકિંગ ક્લબના મેમ્બરો, પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે મદદ કરનાર દરેક લોકોનો તેમજ તમામ રક્ત દાતાઓનો હૃદય પૂર્વક આભાર માનેલ હતો તેમ યાદીના અંતે જણાવ્યું હતું.