ગુજરાતને મળ્યો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026, કૃષિ ક્ષેત્રે વધુ એક રાષ્ટ્રીય ગૌરવ

નવી દિલ્હીમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વીકાર્યો એવોર્ડ; ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સમક્ષ ગૌરવ સન્માન રજૂ, કૃષિ વિભાગને મળ્યા અભિનંદન

ગુજરાતને મળ્યો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026, કૃષિ ક્ષેત્રે વધુ એક રાષ્ટ્રીય ગૌરવ

ગાંધીનગર તા.15
ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. વર્ષ 2026 માટેનો પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ રાજ્યના કૃષિ વિભાગને એનાયત કરવામાં આવ્યો છે. બાગાયત ક્ષેત્રમાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીના આધારે ગુજરાતને આ ગૌરવ પ્રાપ્ત થયું છે.
નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડ મળ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ આ સન્માન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સમક્ષ રજૂ કર્યું હતું.
મંત્રીમંડળે રાજ્યના કૃષિ વિભાગની કામગીરીને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ અને બાગાયત ક્ષેત્રે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓ અને નવી પહેલોના પરિણામે ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે સતત માન્યતા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત અગાઉ પણ વર્ષ 2009, 2014 અને 2018માં શ્રેષ્ઠ કૃષિ રાજ્ય તરીકે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યું છે. હવે એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026 મળતા રાજ્યના કૃષિ વિકાસમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે.