જૂનાગઢના ખેડૂતો માટે મહત્વની જાહેરાત: વિવિધ કૃષિ સહાય માટે 24 ઓગસ્ટથી ઓનલાઈન અરજી શરૂ

આઈ-ખેડૂત પોર્ટલ પર 7 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે; તાલુકા અને કેટેગરી મુજબ વિવિધ કૃષિ સાધનો માટે સહાય ઉપલબ્ધ

જૂનાગઢના ખેડૂતો માટે મહત્વની જાહેરાત: વિવિધ કૃષિ સહાય માટે 24 ઓગસ્ટથી ઓનલાઈન અરજી શરૂ

જૂનાગઢ તા.22
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે વર્ષ 2026-27 દરમિયાન વિવિધ કૃષિલક્ષી સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ખેડૂતોને અલગ-અલગ કૃષિ સાધનો અને યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટે આગામી 24 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા 7 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.
ખેડૂતોએ સહાય મેળવવા માટે રાજ્ય સરકારના આઈ-ખેડૂત પોર્ટલ પર જઈને પોતાના તાલુકા અને લાગુ પડતી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે. બિનઅનામત વર્ગના ખેડૂતો માટે કલ્ટીવેટર, લેન્ડ લેવલર, પ્લાન્ટર, હળ, પાવર ટિલર, રેઇઝર, નીક ખોલવાનું સાધન, ફૂરો ઓપનર, હાથથી ચાલતું દાંતરડું, પાણી વહન કરવાની પાઈપલાઈન અને વ્હીલ હો સહિતના વિવિધ કૃષિ સાધનો માટે સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ સાધનો માટે તાલુકા પ્રમાણે અલગ-અલગ લાભ ઉપલબ્ધ રહેશે.
અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ અનેક પ્રકારના કૃષિ ઓજારો અને સાધનો સહાય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં ઓલ હેરો, બળદથી ચાલતું વાવણીયું, પાક સંરક્ષણ માટેના પાવર સંચાલિત સાધનો, કલ્ટીવેટર, લેઝર લેન્ડ લેવલર, હળ, પાવર થ્રેસર, રોટરી પાવર ટિલર અને પાવર વીડર, રોટાવેટર, ઓટોમેટિક વાવણીયું, હાથથી ચાલતું દાંતરડું તેમજ તાડપત્રી જેવા સાધનોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે વિસાવદર તાલુકામાં પંપ સેટ અને પાણીની પાઈપલાઈન માટે પણ સહાય યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર પ્રાપ્ત થતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પ્રક્રિયા મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે. ખેડૂતોને સમયમર્યાદામાં અરજી પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
યોજનાઓ, પાત્રતા, તાલુકાવાર ઉપલબ્ધ સાધનો અથવા અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરી શકે છે. જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા આ અંગે ખેડૂતોને જાણ કરવામાં આવી છે.