જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જલારામ ભક્તિધામ મંદિર ખાતે વિના મુલ્યે સમર કેમ્પનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.28
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ મંદિર ખાતે તારીખ 27-04-2026 થી 05-05-2026 સુધી કુલ નવ દિવસ માટે 9 થી 14 વર્ષની વયના બાળકો માટે નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પ માત્ર રમતો કે મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે એક સજાગ પ્રયાસ છે. આજના ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલ અને સ્ક્રીનથી દૂર રાખીને તેમના અંદરના સર્જનાત્મકતા અને શક્તિઓને બહાર લાવવા માટે આ કેમ્પ એક સોનાની તક સાબિત થશે. કેમ્પ દરમિયાન પેપર આર્ટ, ગાર્ડનિંગ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, ડ્રોઈંગ, ટ્રેડિશનલ ડ્રેસ થીમ, માઈન્ડ ગેમ્સ અને મેથ્સ મેજિક, યોગા અને કસરત જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના શરીરને તંદુરસ્ત અને મનને ચુસ્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વિશેષરૂપે યોગ અને વ્યાયામ દ્વારા બાળકોમાં શિસ્ત, એકાગ્રતા અને આત્મવિશ્વાસનો વિકાસ થશે, જ્યારે માઈન્ડ ગેમ્સ અને ઇનોવેટિવ એક્ટિવિટીઝ તેમની વિચારશક્તિ, ર્નિણય ક્ષમતા અને સર્જનાત્મકતાને નવી દિશા આપશે. વાર્તા કથન અને સંસ્કારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સકારાત્મક વિચારધારા, સંસ્કાર અને જીવન મૂલ્યોનું સિંચન કરવામાં આવશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. આ કેમ્પ એ માત્ર સમય પસાર કરવાનો માધ્યમ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક સંસ્કારપૂર્ણ યાત્રા છે. જ્યાં શરીર મજબૂત બને છે, મન તેજસ્વી બને છે અને વ્યક્તિત્વ ઉજ્જવળ બને છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના સભ્યો દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, કિરીટભાઈ તન્ના, તુષારભાઈ જોશી, પરેશભાઈ સાવલિયા તેમજ જલારામ ભક્તિધામના ટ્રસ્ટી પ્રવીણભાઈ પોપટ, સુધીરભાઈ અઢિયા, કાજલબેન સેજપાલ, કિરણબેન પંડ્યા, કાજલબેન બુધ્ધદેવ, પારૂલબેન સેજપાલ, રાધાબેન દેવાણી, ભૂમિબેન મહેતા, જાનવીબેન સેજપાલ, દિલીપભાઈ દેવાણી, ભુપતભાઈ યોગાનંદી, ચંદ્રેશભાઇ દોશી, મોહનભાઈ ચુડાસમા, નેહલભાઈ પોપટ, કલ્પેશભાઈ જાદવ સહિતના લોકોએ પોતાની અમૂલ્ય સેવા આપી છે તેમ યાદીના અંતે જણાવેલ હતું.



