જૂનાગઢના ૧૮૯ નોંધાયેલા શાહુકારોને ઓડિટ રિપોર્ટ રજૂ કરવા જિલ્લા રજિસ્ટ્રારની સૂચના
માસિક-વાર્ષિક હિસાબો ઈ-કો-ઓપરેટિવ પોર્ટલ પર રજૂ કરવા તાકીદ; સાત દિવસમાં ખુલાસો નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહીની ચેતવણી
જૂનાગઢ, તા.૦૩
ગુજરાત નાણાં ધિરાણ અધિનિયમ-૨૦૧૧ હેઠળ જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૮૯ શાહુકારોને અધિનિયમની જોગવાઈઓનું પાલન કરવા અને નાણાં ધિરાણ સંબંધિત હિસાબોનું ઓડિટ કરાવી રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.
અધિનિયમની જોગવાઈ મુજબ તારણવાળા ધિરાણ માટે ૧૨ ટકા અને તારણ વિનાના ધિરાણ માટે ૧૫ ટકા વ્યાજની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કલમ-૨૩(૧) મુજબ દરેક નાણાકીય વર્ષ દરમિયાન નાણાં ધિરાણના હિસાબોનું ઓડિટ કરાવવું જરૂરી છે.
કલમ-૨૧(૧) અંતર્ગત નોંધાયેલા શાહુકારોએ ઓનલાઈન નોંધણી સાથે પોતાના તમામ માસિક અને વાર્ષિક હિસાબો તેમજ જરૂરી પત્રકો ઓનલાઈન રજૂ કરવાના રહે છે. જોકે, કેટલાક શાહુકારો દ્વારા ઈ-કો-ઓપરેટિવ પોર્ટલ પર આ હિસાબો અને પત્રકો રજૂ કરવામાં આવતા ન હોવાનું સામે આવ્યું છે. જિલ્લા રજિસ્ટ્રારના જણાવ્યા મુજબ આ બાબત નાણાં ધિરાણ અધિનિયમની કલમ-૪૪નું ઉલ્લંઘન ગણાય છે.
રૂ. ૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે જ્યારે રૂ. ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે દર વર્ષે ઓડિટ કરાવવાનું રહેશે.
જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તમામ સંબંધિત શાહુકારોને તા. ૩૧/૦૩/૨૦૨૬ સુધીનું ઓડિટ સત્વરે પૂર્ણ કરાવી તેનો રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ આ મામલે સાત દિવસની અંદર સ્પષ્ટતા સહિતનો ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
નિયત સમયમર્યાદામાં ખુલાસો રજૂ નહીં કરનારા સંબંધિત શાહુકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જૂનાગઢ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.


