જૂનાગઢમાં આસ્થાભેર હુતાસણી પર્વની ઉજવણી

અંબાજી મતાજી મંદિર પરિસર, ઉપલા દાતાર બાપુની જગ્યા તેમજ જૂનાગઢમાં ર૦૦થી વધુ સ્થળોએ હોળી પ્રાગટય કરાયું : સૌથી મોટી હોળી ગાંધીગ્રામ વિસ્તારની : દરેક સ્થળોએ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા

જૂનાગઢમાં આસ્થાભેર હુતાસણી પર્વની ઉજવણી

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે હુતાસણી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ર૦૦થી વધુ સ્થળોએ હોલીકા દહનનાં કાર્યક્રમો યોજાયા હતા.  દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનાર પર બિરાજતા અંબાજી માતાજી મંદિર પરિસર ખાતે શાસ્ત્રોકત વિધી સાથે હોળી પ્રાગટય કરાયું હતું. ઉપરાંત દાતાર બાપુની ધાર્મિક જગ્યા ખાતે પણ હુતાસણી પ્રગટાવવામાં આવીહતી. સૌપ્રથમ અંબાજી મંદિર ખાતે હોળી પ્રાગટય થયા બાદ જૂનાગઢ શહેરમાં ર૦૦થી  વધારે સ્થળોએ  હુતાસણી પ્રગટાવવામાં આવી હતી. શહેરમાં સૌથી મોટી હુતાસણી ગાંધીગ્રામ વિસ્તારમાં આવી હતી. પ૧ હજાર છાણા ગોઠવી અને હુતાસણી પ્રાગટય કરાયું હતું. ગાંધીગ્રામ ગરબી મંડળના વીરાભાઈ મોરી અને કાર્યકર્તાઓએ કાર્યક્રમને  સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત હોળી પ્રાગટયનાં દર્શને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવારના મોભી રશ્મીબેન કાર્તિકભાઈ ઉપાધ્યાય, તથા તંત્રી અભિજીત ઉપાધ્યાય, ડો.નિષ્ઠાબેન અભિજીત ઉપાધ્યાય, ચિ.આરના તેમજ ચિ.ધનશ્રી ઉપાધ્યાય સહીતનો પરિવાર દર્શનાર્થે આવ્યા હતા. આ ઉપરાંત ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલ હતા. જૂનાગઢ સહીત જીલ્લામાં પણ વિવિધ શહેરો અને ગામોમાં હોળી પર્વની ભક્તિભાવ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.