જૂનાગઢમાં જલારામ મંદિરનું નિર્માણ કાર્ય કયારે પૂર્ણ થશે ?

નિજ મંદિરમાં જલારામ બાપાની પધરામણી માટેની મંદિરની સમય મર્યાદા અપાતી નથી : ભાવિકોમાં રોષ

જૂનાગઢમાં જલારામ મંદિરનું નિર્માણ કાર્ય કયારે પૂર્ણ થશે ?

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૭
જૂનાગઢમાં જલારામ મંદિરના નિર્માણને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. દર ગુરૂવારે ધૂન-પ્રાર્થના કરતા જલારામ ભક્તો ગઈકાલે મંદિર પરિસર પાસે ભેગા થયા હતા. ભક્તોનો આક્ષેપ છે કે તેમને મંદિર પાસે કાર્યક્રમ ન કરવા જણાવાતા તેઓએ પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ બાપાની છબી પધરાવી ધૂન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. જલારામ ભક્ત જયેશ રજનીકાંત ગણાત્રાના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી મંદિરના બાંધકામ અંગે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી જલારામ બાપાની નિજ મંદિરમાં પધરામણી થઈ નથી. ભક્તોની માંગ છે કે જો મુખ્ય મંદિરનો પ્રોજેક્ટ લાંબો હોય તો તાત્કાલિક વૈકલ્પિક રીતે નાનું મંદિર અથવા રૂમ બનાવી જલારામ બાપાની પધરામણી કરવામાં આવે, જેથી ભક્તોની આસ્થા જળવાઈ રહે અને નિયમિત દર્શન થઈ શકે. અત્યારે જલારામ બાપાના દર્શન માટે હવેલીગલી વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હવેલીગલી ખૂબ જ સાંકડો વિસ્તાર હોવાથી ત્યાં એક ટુ-વ્હીલર પાર્ક કરવાની પણ પૂરતી જગ્યા નથી. પરિણામે જલારામ ભક્તો તેમજ આસપાસના વેપારીઓને દર્શન માટે ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ભક્તો દાવો કરી રહ્યા છે. ભક્તોનું માનવું છે કે જો નિજ મંદિરમાં અથવા નજીક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો હજારો ભક્તોને રાહત મળી શકે. બીજી તરફ જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ કોઈ વિવાદ હોવાનો ઇન્કાર કરી વાતને થાળે પાડવા કોશિષ કરી બચાવ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ મંદિરનો અંદાજે ત્રણથી સાડા ત્રણ વર્ષનો પ્રોજેક્ટ છે, હાલમાં આશરે આઠ મહિનાનું કામ પૂર્ણ થયું છે અને ઈજનેરોની સલાહ પ્રમાણે ચોમાસામાં મુખ્ય બાંધકામ શક્ય નથી. ટ્રસ્ટનું કહેવું છે કે સમગ્ર કામગીરી મંજૂર પ્લાન મુજબ જ થશે અને હાલ હવેલીગલી ખાતે નિયમિત રીતે દર્શન અને પૂજાની વ્યવસ્થા ચાલુ છે. જોકે, ભક્તોનું કહેવું છે કે ટ્રસ્ટ તરફથી સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે ભક્તોમાં અસંતોષ વધી રહ્યો છે. હવે ભક્તોની માંગણીને લઈને ટ્રસ્ટ શું ર્નિણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.