જૂનાગઢમાં મંજુરી વિના જ કાર્યક્રમ યોજનાર ભુતાવડ, હુવાય્ણ ડાયરાનાં આયોજકોને તંત્રએ નોટીસ ફટકારી
જૂનાગઢ તા.22
જૂનાગઢ શહેરમાં તંત્રની પૂર્વ મંજુરી લીધા વિના જ ડાયરાનાં કાર્યક્રમો યોજી નાખનારા બે ડાયરાનાં આયોજકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં કોઈપણ સભા, સરઘસ કે જાહેર કાર્યક્રમ યોજતા પહલા અધિક કલેકટરના જાહેરનામા મુજબ તંત્રની પૂર્વ મંજુરી લેવી ફરજીયાત છે. તેમ છતાં ગત તા.23 જુનનાં રોજ ભવનાથ સ્મશાન ખાત ભુતાવડ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં અંદાજીત 10થી 12 હજાર જેટલા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મોડી રાત્રે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવા છતાં આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી લેવામાં આવી ન હતી.
સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પરંતુ તંત્રની મંજુરી વિના ભીડ એકઠી કરવાના આ કાર્યક્રમને ગંભીરતાથી લઈ પ્રાંત અધિકારી દ્વારા આયોજકોને નોટીસ ફટકારવામાં આવી છે.
આ જ પ્રકારે શહેરનાં ચોબારી ફાટક રોડ પર આવેલ ટી-પોસ્ટ ખાતે ગત તા. 5 જુલાઈના રોજ ધી હુવાણ્ય પ્રોજેકટ અંતર્ગત એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પણ આયોજકોએ વહીવટી તંત્ર કે પોલીસ વિભાગની કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. આ બંને ગેરકાયદેસર આયોજનો મામલે જૂનાગઢ પ્રાંત અધિકારી નિકુંજ ધુળા દ્વારા કડક વલણ અપનાવી બંને કાર્યક્રમોના આયોજકોને નોટીસ પાઠવવામાં આવી છે. હાલમાં આ બંને આયોજકો પાસેથી ભવિષ્યમાં પૂર્વ મંજુરી વિના આવા કોઈપણ કાર્યક્રમ ન યોજવા અંગે લેખીત બાંહેધરી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને જરૂર જણાશે તો વધુ કડક કાર્યવાહી પણ કરાશે.


