જૂનાગઢમાં લાઈબ્રેરીયન્સ ડે અને હર ઘર તિરંગા અભિયાનની ભવ્ય ઉજવણી
જૂનાગઢ તા.૧૩
સમગ્ર ભારતમાં ૧૨મી ઓગસ્ટના દિવસને ભારતીય ગ્રંથાલય શાસ્ત્રના પિતામહ ડૉ. એસ. આર. રંગનાથનની જન્મજયંતી નિમિત્તે ‘લાઈબ્રેરીયન્સ ડે‘ તરીકે ઉજવવામાં આવે છે. આ સાથે જ ભારત સરકાર દ્વારા દેશભરમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના હેતુથી ‘હર ઘર તિરંગા‘ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બંને વિશેષ પ્રસંગોના સંયુક્ત ભાગરૂપે નિયામક ગ્રંથાલયની કચેરી, ગાંધીનગર અને સરકારી જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લા પુસ્તકાલય ખાતે આજ ૧૨ ઓગષ્ટ ૨૦૨૬ ના રોજ એક ભવ્ય અને ઉત્સાહવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવોના હસ્તે પારંપરિક રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સરકારી જિલ્લા પુસ્તકાલયના સમગ્ર સ્ટાફ ઉપરાંત શ્રી કે. પી. સી. ગોડા હાઈસ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક અને જિલ્લા પુસ્તકાલયના લાઈબ્રેરીયન શ્રી સેજલ મોણપરા દ્વારા ઉપસ્થિત સૌને આવકારવામાં આવ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ડૉ. એસ. આર. રંગનાથનના જીવન, ગ્રંથાલય ક્ષેત્રે તેમના યોગદાન અને “લાઈબ્રેરીયન્સ ડે” ના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી.
તેમણે ભારત સરકારના ‘હર ઘર તિરંગા‘ અભિયાનના ઉદ્દેશ્ય અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેના સન્માન તેમજ રાષ્ટ્રભક્તિ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નાગરિકોને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. પુસ્તકાલયના કમ્પ્યુટર ઓપરેટર કુ. પારુલબેન પરમાર તથા શ્રી જયંતીભાઈ સરવૈયા દ્વારા સુમધુર દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા અને સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો ધારણ કરી રાષ્ટ્રભક્તિના ઉત્સાહપૂર્ણ નારાઓ સાથે એક ભવ્ય રેલી કાઢી હતી. આ રેલી દ્વારા સ્થાનિક વિસ્તારમાં ‘હર ઘર તિરંગા‘ અભિયાનનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે કમ્પ્યુટર ઓપરેટર પારૂલબેન પરમાર દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિધિવત આભાર દર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન બાદ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને મહેમાનો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સમગ્ર ભવ્ય આયોજન જિલ્લા પુસ્તકાલયના લાઈબ્રેરીયન શ્રી સેજલ મોણપરાના કુશળ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.
જિલ્લા પુસ્તકાલય જૂનાગઢનો સ્ટાફ, શ્રી કે. પી. સી. ગોડા હાઈસ્કૂલનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, પુસ્તકાલયના નિયમિત વાચકો અને સ્થાનિક નાગરિકો મળીને ૩૦૦ થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આ કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો.


