જૂનાગઢમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાનું ભવ્ય અભિવાદન, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

શિક્ષણ, સંશોધન અને વિકસિત ભારત 2047 અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો

જૂનાગઢમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાનું ભવ્ય અભિવાદન, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

જૂનાગઢ, તા. 30:
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આજે જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અભિવાદન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણે શાલ, પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્ન, સુતરની આંટી અને ખાદીનું રૂમાલ અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું કે ગિરનારના નૈસર્ગિક અને હરિયાળા વાતાવરણમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક વિદ્યાર્થીઓ માટે ગૌરવની બાબત છે.
મંત્રીએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી. અભ્યાસ કરી રહ્યા છે અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડલાઇફ દ્વારા યુવાનોને સંશોધન અને અભ્યાસની નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. તેમણે વિસાવદરના સરસઈ ખાતે આવેલા સંતશ્રી રવિદાસજીની તપોભૂમિના નામે યુનિવર્સિટીમાં એક વિશેષ ચેર સ્થાપિત કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ અને કેન્સરની દવાઓના સંશોધન ક્ષેત્રે પેટન્ટ નોંધાવવામાં આવ્યા છે, જે ગૌરવની બાબત છે. વર્ષ 2015માં સ્થાપિત થયેલી યુનિવર્સિટીને માત્ર સાત વર્ષમાં જ યુજીસીની માન્યતા મળવી એ સમગ્ર રાજ્ય માટે નોંધપાત્ર સિદ્ધિ હોવાનું તેમણે જણાવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે રાષ્ટ્રનું નિર્માણ વર્ગખંડમાંથી જ થાય છે અને કર્તવ્યનું સ્મરણ એ જ ઈશ્વરનું સ્મરણ છે.
વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીએ સફળતા સાથે માનવતા પણ એટલી જ જરૂરી હોવાનું જણાવ્યું. તેમણે IQ (ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ) સાથે EQ (ઇમોશનલ ક્વોશન્ટ)નું મહત્વ સમજાવતાં યુવાનોને બુદ્ધિશાળી મગજ સાથે દયાળુ હૃદય રાખવાનો સંદેશ આપ્યો.
આ પ્રસંગે કુલપતિ ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણે યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રગતિ, નવી ઇમારતો, સંશોધન પ્રવૃત્તિઓ તેમજ ભવિષ્યમાં જરૂરી માળખાકીય સુવિધાઓ અને સ્ટાફની જરૂરિયાત અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અંતે કુલસચિવ આર. જી. પરમારે આભારવિધિ વ્યક્ત કરી હતી, જ્યારે સંચાલન ડૉ. ઋષિરાજ ઉપાધ્યાયે કર્યું હતું. સમારોહ બાદ શિક્ષણ મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં ફેકલ્ટી સભ્યો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, વિદ્યાર્થીઓ, શિક્ષણપ્રેમીઓ અને યુનિવર્સિટીનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.