જૂનાગઢ જીલ્લા પંચાયતની ભેંસાણ બેઠક પર ભાજપનાં ભુપત ભાયાણીનો કારમો પરાજય : આપનાં દિનેશ રૂપારેલીયાની જીતે અપસેટ સર્જી દીધો
ભેંસાણ પંથકમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ યથાવત : ભાજપની તમામ ગણતરીઓ ઉંધી પડી
જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ જીલ્લા પંચાયતની ભેંસાણ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર અને ભૂર્તપૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીની કારમી હાર થઈ છે. ફરી એકવાર વિસાવદર-ભેંસાણ પંથકની જનતાએ ભાજપને ઝટકો આપ્યો છે. ભુપત ભાયાણીને જીતાડવા માટે ભાજપનાં ચુંટણી રણનીતીકારોએ કાર્યકરોની ફોજ ઉતારી દીધી હતી તેમ છતાં ભાયાણીની હાર થઈ છે. અને વિસાવદર-ભેંસાણ પંથકનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું છે. ગોપાલ ઈટાલીયા અને તેમની આમ આદમી પાર્ટીએ ભાજપની ગણતરીઓને ઉંધી પાડી દીધી છે. વિસાવદર-ભેંસાણ પંથક હંમેશા અપસેટ સર્જવા માટે પ્રખ્યાત છે. વિધાનસભાની ચુંટણીમાં પણ ગોપાલ ઈટાલીયાનો વિજય ભાજપ માટે ભારે અપસેટ સાબિત થયો હતો. તેજ રીતે આ વખતે જીલ્લા પંચાયત ચુંટણીમાં પણ ભાજપે ભેંસાણ બેઠક પર ભુપત ભાયાણીને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. પરંતુ ભાજપનાં આંતરીક વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ભુપત ભાયાણીનો ઘડવો લાડવો ભાજપનાં જ કેટલાક નેતાઓ કાર્યકરોએ દાવ કરી નાંખ્યો હોવાનું ચર્ચાઈ રહયું છે. જેમ જૂનાગઢ મનપાની ચુંટણીમાં ‘સ્થાનીક કમો’ પ્રખ્યાત થયો હતો અને ભાજપનાં જ નેતાઓએ તેનું ફીંડલુ વાળી નાખ્યું હતું. તેમ ભેંસાણ જીલ્લા પંચાયતની બેઠક પર ભુપત ભાયાણીનું ફીંડલું ભાજપનાં જ લોકોએ વાળી નાખ્યું હોવાનું જાણકાર સુત્રોમાં ચર્ચાય રહયું છે. ભુપત ભાયાણીની હાર પાછળ ભાજપનું સંગઠન માળખું નબળુ પડયું હોવાનું મનાય છે. તેમજ આમ આદમી પાર્ટીએ ભેંસાણ વિસ્તારમાં તેનું વર્ચસ્વ જાળવી રાખ્યુ છે. ભુપત ભાયાણી સામે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર દિનેશ રૂપારેલીયાનો વિજય થયો છે. દિનેશ રૂપારેલીયાનાં વિજયે ભાજપને ભારે ફટકો આપ્યો છે. જાે કે એવી પણ ચર્ચા થઈ રહી છે કે શું દિનેશ રૂપારેલીયા પણ ભુતકાળમાં જેમ ભાયાણીએ કર્યુ હતું તેમ તો નહી કરે ને... ? ભેંસાણની જનતા સાથે દિનેશ રૂપારેલીયા કેટલો સમય વિશ્વાસ સાથે ટકી રહે છે તે જાેવાનું રહયું.
| ભેંસાણ તાલુકા પંચાયતમાં આપનું ઝાડુ ફરી વળ્યું : ભાજપનો કારમો રકાસ ભેંસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને ૧૬માંથી ૧૩ બેઠકો મળી : ભાજપને માત્ર ૩ જૂનાગઢ/ભેંસાણ તા. ર૮ જૂનાગઢ જીલ્લાની ભેંસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળ્યું છે. અને ભાજપનાં કમળનો સફાયો થઈ ગયો છે. જયારે કોંગ્રેસનું તો ખાતુ જ ખુલ્યું નથી. ભેંસાણ તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ૧૩ બેઠકો પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જયારે ભાજપને માત્ર ૩ બેઠકો મળી છે. ભેંસાણ તાલુકો આમ આદમી પાર્ટીનો ગઢ સાબિત થયો છે. ભેંસાણ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો જે ૧૩ બેઠકો પર વિજેતા જાહેર થયા છે તેમાં બામણગઢ, ચણાકા, છોડવડી, ભેંસાણ-૧, ભેંસાણ-ર, રાણપુર-૧, મેંદપરા, વિશળ હડમતીયા, ચુડા, ગળથ, મોરવાડા, ખાખરા હડમતીયા અને રફાળીયા બેઠકનો સમાવેશ થાય છે. જયારે ભાજપનાં ઉમેદવાર જે ૩ બેઠકો પર વિજેતા થયા છે તેમાં રાણપુર-ર, ખંભાળીયા અને ખજુરી હડમતીયા બેઠકનો સમાવેશ થાય છે તેમ અમારા ભેંસાણનાં પ્રતિનિધિ રેનીશ મહેતાનો અહેવાલ જણાવે છે. |


