જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૩નાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી, અસ્લમ કુરેશી સહિત ૪ સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો : ૩ આરોપીની ધરપકડ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૧
ગત સાંજે જૂનાગઢ પોલીસે કરેલી કાર્યવાહીમાં જૂનાગઢ મહાનગરપાલીકાના વોર્ડ નં.૩ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ ઈબ્રાહીમ કુરેશી, તેના ભાઈ અસ્લમ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઈ કુરેશી તેમજ તેના અન્ય બે સાગ્રીતો શાહબાઝ જાફરભાઈ કુરેશી અને કરીમ આમદભાઈ સીડા સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કુલ - ૪ શખ્સો વિરૂધ્ધ ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ (ગુજસીટોક) એકટ-ર૦૧પની કલમ ૩(૧)ની પેટા કલમ (ર), ૩(ર) અને ૩(૪) મુજબ એફઆઈઆર નોંધી છે. જેમાં એવું જણાવ્યું છે કે આ કામના આરોપીઓએ સમાન ઈરાદો પાર પાડવા ભેગા મળી આરોપી-અસ્લમ કુરેશીની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સીન્ડીકેટ બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરીત કરી છેલ્લા ૧૦ વર્ષમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુનની કોશીષ, ખંડણી, બળજબરીથી કઢાવુ, હથિયાર ધારા, ઈજા, ખાનગી મિલ્કતને નુકશાન, પોલીસ પર હુમલા, જાનથી મારી નાખવાની ધમકી તથા સાઈબર ક્રાઈમ ફ્રોડ લગત ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતની વિગતો એફઆઈઆરમાં દર્શાવી છે. એ-ડીવીઝનના પીઆઈ વી.જે. સાવજે ફરિયાદ દાખલ કરી છે. જયારે આ સમગ્ર ગુનાની તપાસ ડીવાયએસપી જૂનાગઢ ગ્રામ્ય રવિરાજસિંહ પરમારને સોંપવામાં આવી છે. દરમ્યાનમાં ફરિયાદી એલસીબી પીઆઈ કે.એમ. પટેલે જણાવ્યું છે કે, ઉપરોકત ચાર આરોપીઓ પૈકી અસ્લમ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા હાલમાં જૂનાગઢ જેલમાં જ છે. જયાંથી તેમની આ ગુનામાં અટક કરવામાં આવશે. જયારે અબ્બાસ કુરેશીની અટક કરવાની બાકી છે. જે આજ બપોર સુધીમાં થઈ જશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ ઘટનાક્રમની વધુમાં પ્રાપ્ત વિગત મુજબ અસ્લમ કુરેશીની આગેવાનીમાં આ ટોળકીએ તા.૩ જુલાઈ, ર૦૧પ થી તા.ર૦ જાન્યુઆરી, ર૦ર૬ સુધીમાં ર૮ ગુનાઓ આચરેલ છે. જે ગુનાઓ પોલીસ દફતરે નોંધાયેલા છે. ઉપરોકત આરોપીઓ પૈકી અસ્લમ કુરેશી સામે પાંચ ગુના, અબ્બાસ કુરેશી સામે ૧૧ ગુના, શાહબાઝ કુરેશી સામે પાંચ ગુના અને કરીમ સીડા સામે ૭ ગુના નોંધાયેલા છે. ઉપરોક્ત શખ્સો છેલ્લા ૧૦ વર્ષથી ગેંગ બનાવી સંગઠીત ગુનાખોરી આચરતા હતા. જેની સામે જૂનાગઢ પોલીસે ડંડો ઉગામી ગુજસીટોકની કાર્યવાહી કરતા અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને કેટલાક અસામાજીક તત્વો ભોં ભીતર થઈ ગયા હોવાનું પણ જાણવા મળેલ છે.


