જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ના ભાજપના ગૃપમાં મોડી રાત્રે બિભત્સ લખાણ સાથેની અશ્લિલ વિડીયો લીંક શેર કરાતા શીસ્તબધ્ધ પાર્ટીની આબરૂના ધજાગરા

ભાજપની આબરૂનુ ચિરહરણ : મહિલાઓએ ભાજપમાં જાેડાવુ જાેઈએ નહીં - લલીત પણસારા

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ના ભાજપના ગૃપમાં મોડી રાત્રે બિભત્સ લખાણ સાથેની અશ્લિલ વિડીયો લીંક શેર કરાતા શીસ્તબધ્ધ પાર્ટીની આબરૂના ધજાગરા

જૂનાગઢ તા.ર૩
જૂનાગઢ મહાનગરપાલીકાના વોર્ડ નં.૬ના ભાજપના વોટસએપ ગૃપમાં ગત મધ્ય રાત્રીના અત્યંત બિભત્સ લખાણ સાથેના અશ્લીલ વિડીયોની લીંક શેર કરાતા ભારે ખળભળાટ મચી ગયો છે. વોર્ડ નં.૬ના ભાજપના ગૃપમાં મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પદાધિકારીઓ છે. ત્યારે આ પ્રકારની અત્યંત હીન પ્રવૃતિ થતાં ભાજપની આબરૂનુ ચિરહરણ થઈ ગયું છે. અને શીસ્તબધ્ધ કહેવાતી પાર્ટીની આબરૂના  ધજાગરા ઉડી ગયા છે. આ સમગ્ર મુદ્દો હાલમાં જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગત મધ્યરાત્રીના ૧.પ૭ કલાકે વોર્ડ નં.૬ ના ભાજપના ગૃપમાં અત્યંત બિભત્સ લખાણ સાથેની વિડીયો લીંક શેર કરવામાં આવી હતી. આ મેસેજ આવતાની સાથે જ ગૃપના સભ્યો ચોંકી ઉઠયા હતા. અને આ સમગ્ર બિભત્સ મેસેજ જાેત-જાેતામાં વાયરલ થઈ ગયો હતો. આ ગૃપમાં એક કરતા વધુ એડમીન છે. તેમજ મહિલાઓ પણ ગૃપ મેમ્બર છે. આ સમગ્ર મામલે વોર્ડ નં.૬ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ એવું જણાવ્યું હતુ કે, હું સોશ્યલ મિડીયાનો ખુબ જ ઓછો ઉપયોગ કરૂ છું તેથી આ મામલો શું છે? તેની મને ખબર નથી.  જેણે આવો અભદ્ર મેસેજ વાયરલ કર્યો હશે તેને તત્કાલ ગૃપમાંથી ડીલીટ કરવાની સુચના આપુ છુ.
દરમ્યાનમાં આ ઘટનાએ સમગ્ર શહેર ભાજપના વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે અને ભાજપની મહિલા સભ્યો ભારે રોષ વ્યક્ત કરી રહી છે. આ અશ્લીલ મેસેજના સ્ક્રીનશોટ સોશ્યલ મિડીયામાં વાયરલ થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.૬માં બે ભાજપના અને બે કોંગ્રેસના કોર્પોરેટરો છે. લલીતભાઈ પણસારા અને જશવંતીબેન કેશવાલા કોંગ્રેસના કોર્પોરેટર છે જયારે કુસુમબેન અકબરી અને પ્રવીણભાઈ વાઘેલા ભાજપના કોર્પોરેટરો છે. જે પૈકી કોર્પોરેટર કુસુમબેન અકબરી ઉપરોકત વોટસએપ ગૃપના એડમીન પૈકીના એક એડમીન પણ છે.
આ અંગે જૂનાગઢ મહાનગરપાલીકામાં વિરોધપક્ષ કોંગ્રેસના નેતા લલીતભાઈ પણસારાએ એવું જણાવ્યું છે કે, એકબાજુ ભાજપ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોના નારા અને મહિલા સશક્તિકરણના દાવાઓ કરવામાં આવે છે ત્યારે ભાજપના જ કાર્યકર્તાઓનું ચરિત્ર કંઈક અલગ જ છે. ચારિત્ર્ય બાબતે ભાજપના કાર્યકરોનો કોઈ ભરોસો કરતું નથી. આ ગૃપમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના કાર્યાલયનો નંબર પણ જાેડાણ કરેલ છે. લલીત પણસારાએ વધુમાં જણાવેલ છે કે, (ભાજપ એટલી ચરિત્ર હિન પાર્ટી થઈ ગઈ છે કે) મહિલાઓએ ભાજપમાં જાેડાવવું જાેઈએ નહીં તેવી વિપક્ષ વિનંતી કરે છે !! આ કંઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. જેને કારણે ઘણીવાર પારિવારીક ઝઘડાઓ પણ થાય છે અને સંખ્યાબંધ કિસ્સામાં પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ-તિરાડની ઘટનાઓ પણ બની છે તેમ લલીત પણસારાએ જણાવ્યું હતુ.
દરમ્યાનમાં આ બાબતે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાનો સંપર્ક સાધતા તેમણે એવું જણાવ્યું હતું કે, આ બાબતે મેં કાર્યકરને ઠપકો આપ્યો છે. આ ખુબ જ ખરાબ કહેવાય પણ હું આ ગૃપમાં છું નહીં મને મિડીયા થકી જ ખબર પડી. જે કાર્યકરના ફોનમાંથી આ મેસેજ થયો છે તેમણે એવું જણાવ્યું છે કે, તેમનો ગઈકાલથી ફોન હેક થઈ ગયો હતો અને કોઈએ તેમાંથી આ મેસેજ કરેલ છે. આ બાબતે આ કાર્યકર (ભરત પટેલ) બી-ડીવીઝન પો.સ્ટે.માં ફરિયાદ લખાવવા ગયા હોવાનું ગૌરવ રૂપારેલીયાએ જણાવ્યું છે. હાલતો આ ઘટનાક્રમથી ભાજપના વર્તુળોમાં સન્નાટો મચી ગયો છે.

શું કહે છે ભરત પટેલ ?
જેના મોબાઈલમાંથી બિભત્સ મેસેજ સેન્ડ થયો છે. ભરતભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે એવું જણાવ્યું કે, મારા મોબાઈલમાંથી મેસેજ સેન્ડ થયો છે તે વાત સાચી છે પણ તે કેવી રીતે થયું છે તેની મને જાણ નથી. મારો ફોન હેક થઈ ગયો છે અને તેનો કોઈએ દુરૂપયોગ કર્યો છે. મને આ બાબતની ગૃપમાંથી જાણ કરવામાં આવતા તત્કાલ મે આ મેસેજ ડીલીટ કરી નાખ્યો હતો. હું આ બાબતની તપાસ કરી રહ્યો છું કે, આની પાછળ કોણ છે ? હું આવુ કામ કરૂ નહીં. હું જવાબદાર વ્યક્તિ છું. તેમ ભરત પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું.