ઝાંઝરડા બ્રીજ પાસે વારંવાર સર્જાતી ટ્રાફીક સમસ્યાનો ઉકેલ કયારે આવશે ? કાયમી ટ્રાફીક પોઈન્ટ મુકવા માંગ
જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ શહેરનાં વિકસીત વિસ્તાર ઝાંઝરડા રોડ ઉપર બ્રીજ પાસે વારંવાર ટ્રાફીક સમસ્યા સર્જાઈ છે. ત્યારે આ વિસ્તારમાં ટ્રાફીક પોઈન્ટ ઉભો કરી અને કાયમી વ્યવસ્થા ગોઠવવા માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરનાં લગભગ મોટાભાગનાં વિસ્તારો, માર્ગો, બજારોમાં ટ્રાફીક સમસ્યાના પ્રશ્નો કાયમી ધોરણે રહેલા છે જ દિવસે ને દિવસે ટ્રાફીકની સમસ્યા સતત વધતી જાય છે. ટ્રાફીક સમસ્યા નિવારણ માટેનાં ઉપાયો કારગત નીવડતા નથી અને જેનાં કારણે લોકોને અવરજવર માટે કાયમી ટ્રાફીક નડે છે. આજે ટ્રાફીક સમસ્યા જયાં અવાર-નવાર સર્જાતી રહી છે તેવા ઝાંઝરડા રોડ વિસ્તારની વાત કરવી છે. જૂનાગઢ બસ સ્ટેન્ડથી ઝાંઝરડા રોડ જવાના માર્ગમાં ઝાંસીની રાણીનાં સર્કલથી સતત વાહનોની વણજાર રહે છે. ઝાંઝરડા રોડમાં સમાવિષ્ટ જુદી જુદી સોસાયટી, એપાર્ટમેન્ટોમાં જવા માટેનો આ માર્ગ સતત ર૪ કલાક ટ્રાફીકથી ધમધમતો હોય છે. હવે મુખ્ય વાત એ છે કે ઝાંઝરડા રોડ ઉપર જવા માટે જે માર્ગનો ઉપયોગ થઈ રહયો છે તેવા આ માર્ગ ઉપર બ્રીજ આવેલ છે. આ બ્રીજને ઝાંઝરડા બ્રીજ તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે બ્રીજનો રસ્તો કેટલાક કલાક બંધ થઈ જાય છે અને પાણી ઓસરતા વાહન વ્યવહાર પુર્ન: સ્થાપિત થાય છે.
જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોનો વિકાસ સતત થઈ રહયો છે તેમ ઝાંઝરડા રોડનો પણ વિકાસ થવાના કારણે શહેરના અતિ વિકસીત વિસ્તાર ઝાંઝરડા રોડ ગણાય છે. બસ સ્ટેન્ડથી ઝાંઝરડા રોડ અને ઝાંઝરડા ચોકડી સુધી જવાનાં આ માર્ગ ઉપર બરાબર ચોબારી રોડના ખુણા ઉપર બ્રીજ આવે છે. બસ સ્ટેન્ડથી ઝાંઝરડા માર્ગ જવા માટેના આ માર્ગ ઉપર સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, હોસ્પીટલો, શોપીંગ સેન્ટર ઘણું બધું આવે છે. ઝાંઝરડા બ્રીજની પાસે એકતરફ ચોબારી રોડ તરફ આવતી સોસાયટીઓ ઉપરાંત ઝાંઝરડા ચોકડી સુધીમાં બંને સાઈડમાં આવેલા એપાર્ટમેન્ટ, સોસાયટીઓ, દુકાનો કે મોલ, રેસ્ટોરન્ટ વગેરે આવે છે. હવે આ માર્ગ ઉતર સતત વાહનોની દોડધામ રહે છે. તેમાં પણ ઝાંઝરડા બ્રીજ પાસે તો દિવસમાં વારંવાર ટ્રાફીક સમસ્યા ઉદ્ભવે છે. અને ટ્રાફીક સમસ્યા રહેતી હોવાની વ્યાપક ફરીયાદો રહેલી છે. દરમ્યાન ગત સોમવારે સાંજના ૬ થી ૬.૩૦ના અરસામાં બ્રીજ પાસે વાહનોનો જમેલો થયો હતો. ચોતરફ બ્રીજની જમણી બાજુ આવેલ વિસ્તારમાં રસ્તાની કામગીરી ખોદકામને કારણે અનેક વાહનચાલકોને પરત ફરવું પડેલ તેનો ટ્રાફીક તથા ચોબારી તરફ જવાના માર્ગથી આવતા જતા વાહનોનો ટ્રાફીક તેમજ ઝાંઝરડા ચોકડીથી બ્રીજ તરફ આવતા અને જતા વાહનોનાં થપ્પા લાગી ગયા હતા. અડધો કલાક વાહનો સ્થીર બની ગયા હતા. અને હોર્નની ચીચીયારી ગુંજી ઉઠી હતી. કોઈપણ વાહન પસાર થઈ શકે તેમ નહોતા. એક ૧૦૮નું વાહન આવેલ તે પણ મહામુશ્કેલીએ પસાર થયેલ હતું. દરમ્યાન ટ્રાફીક જામ થવા અંગે પોલીસને જાણ થતા પોલીસ અધિકારી અને કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને ભારે જહેમત બાદ વાહન પસાર થયા હતા. અહીં બ્રીજ પાસે ટ્રાફીક અટકી જવાના વારંવાર બનાવો બને છે. ત્યારે આ વિસ્તારમાં ખાસ બ્રીજ પાસે ટ્રાફીક પોઈન્ટ નકકી કરી અને કાયમી વ્યવસ્થા ઉભી કરવા માંગણી ઉઠવા પામી છે.


