ટીવી બાદ હવે મોટા પડદા પર ‘નાગિન’નો જાદુ, એકતા કપૂર બનાવશે ફિલ્મ! હિરોઈનના નામને લઈને ચર્ચા તેજ

નાગપંચમી પર એકતા કપૂરે શેર કર્યો ખાસ વીડિયો, 11 વર્ષ સુધી ટીવી પર છવાયેલી ‘નાગિન’ ફ્રેન્ચાઇઝી હવે ફિલ્મી પડદે જોવા મળશે

ટીવી બાદ હવે મોટા પડદા પર ‘નાગિન’નો જાદુ, એકતા કપૂર બનાવશે ફિલ્મ! હિરોઈનના નામને લઈને ચર્ચા તેજ

મુંબઈ, તા.૧૯
એકતા કપૂરની લોકપ્રિય ‘નાગિન’ ફ્રેન્ચાઇઝીને લઈને ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી ટીવી પર દર્શકોનું મનોરંજન કરનારી ‘નાગિન’ હવે નાના પડદા સુધી સીમિત નહીં રહે અને મોટા પડદા પર પણ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. નાગપંચમીના ખાસ અવસર પર એકતા કપૂરે એક વીડિયો શેર કરીને આ નવા પ્રોજેક્ટના સંકેત આપ્યા છે.
એકતા કપૂરે સોશિયલ મીડિયા પર ‘નાગિન’ની અલગ-અલગ સીઝનમાં નાગિનનું પાત્ર ભજવનારી અભિનેત્રીઓની ઝલક ધરાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સાથે તેમણે સંકેત આપ્યો કે ‘નાગિન’ ફ્રેન્ચાઇઝી સાથે હવે કંઈક વધુ મોટું અને રોમાંચક આવવાનું છે. એકતાએ જણાવ્યું કે ‘નાગિન’એ છેલ્લા 11 વર્ષથી ટેલિવિઝન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને હવે બાલાજી ટેલિફિલ્મ્સ આ ફ્રેન્ચાઇઝીને ટીવીની દુનિયાથી આગળ લઈ જવા માટે તૈયાર છે.
આ જાહેરાત બાદ સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે મોટા પડદા પર નાગિનની મુખ્ય ભૂમિકા કોણ ભજવશે. ટીવીની જેમ ફિલ્મમાં પણ કોઈ લોકપ્રિય અભિનેત્રીને નાગિન તરીકે પસંદ કરવામાં આવશે કે પછી એકતા કપૂર કોઈ નવા ચહેરાને તક આપશે, તે અંગે હાલ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
‘નાગિન’ની ટીવી સફરની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. પ્રથમ સીઝનમાં મૌની રોય નાગિનના પાત્રમાં જોવા મળી હતી અને અર્જુન બિજલાની સાથે તેની જોડી દર્શકોમાં લોકપ્રિય બની હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીની અલગ-અલગ સીઝનમાં નવી અભિનેત્રીઓને નાગિનના પાત્રમાં રજૂ કરવામાં આવી હતી.
ત્રીજી સીઝનમાં સુરભિ જ્યોતિએ નાગિનની ભૂમિકા ભજવી હતી, જ્યારે ચોથી સીઝનમાં નિયા શર્મા આ પાત્રમાં જોવા મળી હતી. જોકે, કોરોના મહામારી દરમિયાન ચોથા ભાગનું પ્રસારણ અચાનક અટકાવી દેવામાં આવ્યું હતું.
હવે એકતા કપૂરની જાહેરાત બાદ ‘નાગિન’ના ફિલ્મી વર્ઝનને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ, દિગ્દર્શક, રિલીઝ ડેટ અને વાર્તા અંગેની સત્તાવાર વિગતો હજુ જાહેર થવાની બાકી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વર્ષો સુધી ટીવી પર રાજ કરનારી ‘નાગિન’ હવે મોટા પડદા પર કેવો જાદુ ચલાવે છે તે જોવું રસપ્રદ રહેશે.