દ્વારકામાં 26 જુલાઈએ માજી સૈનિકો-NCC દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ઇસ્કોન ગેટથી ગોમતીઘાટ સુધી વિશાળ દેશભક્તિ રેલી યોજાઈ
જામ ખંભાળિયા તા.27
કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્વારકામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 26 જુલાઈના રોજ કારગિલ યુદ્ધના વીરો અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ જવાનોની સ્મૃતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે દ્વારકાધીશ માજી સૈનિક મંડળ, એનસીસી કેડેટ્સ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી એક વિશાળ દેશભક્તિ રેલી યોજાઈ હતી. આ રેલી ઇસ્કોન ગેટથી શરૂ થઈ દ્વારકાના મુખ્ય બજારમાંથી પસાર થઈ ગોમતીઘાટ પહોંચી હતી.
ગોમતીઘાટ ખાતે પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા 527 વીર જવાનો તેમજ દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ અમર શહીદોની દિવ્ય આત્માની શાંતિ માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.


