નવી દિલ્હીની ૯ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

નવી દિલ્હીની ૯ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

(એજન્સી)   નવી દિલ્હી તા.૦૯
પાટનગર દિલ્હીમાં ફરી વખત જાણીતી સ્કૂલોને બોમ્બ ધડાકાની ધમકી આપવાનો સિલસિલો શરુ થઇ ગયો હોય તેમ આજે પ્રતિષ્ઠીત ૯ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે દોડધામ મચી ગઇ હતી. આજે સવારે ૮.૩૦ થી ૯ દરમ્યાન બોમ્બ ધડાકાની ધમકી મળતા તાત્કાલીક સુરક્ષા એજન્સીઓ સંબધીત સ્કૂલોમાં પહોંચી ગઇ હતી અને તપાસ શરુ કરવામાં આવી હતી. સ્કૂલ સંકુલો ખાલી કરાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને સુરક્ષીત સ્થાનોએ મોકલી દેવાતા સાથે રજા જાહેર કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ કે બોમ્બ મળ્યા ન હતા. પોલીસ માત્ર અફડાતફડી સર્જવા માટે આ પ્રકારની ધમકી અપાતી હોવાનું માની રહી છે. પોલીસ દ્વારા ધમકીભર્યા કોલ અને સોર્સની તપાસ શરુ કરવામાં આવી છે.