પાપ છાપરે ચડીને પોકાર્યુ : અંબાજી ટ્રસ્ટનો કિંમતી પ્લોટ વ્યકિતગત નામે ખરીદવા મુદે ભવનાથ મંદિરનાં પૂર્વ મહંત હરીગીરીને નોટીસ : 23 જુલાઈએ હાજર થવા ફરમાન
જૂનાગઢ તા.7
ભવનાથ મહાદેવ મંદિરનાં પૂર્વ મહંત હરીગીરીને અંબાજી ટ્રસ્ટનાં કિંમતી પ્લોટ વ્યકિતગત નામે ખરીદવા મુદે તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. અને આગામી તા. 23 જુલાઈએ હાજર થવા આ નોટીસમાં જણાવેલ છે. ત્યારે હરીગીરી આ બાબતે શું ખુલાસો કરે છે તે બાબતે સંબંધીત તમામની મીટ મંડાયેલી છે.
ભવનાથ મહાદેવ મંદિરનાં પૂર્વ મહંત હરીગીરી સામે ભ્રષ્ટાચાર સહીતનાં અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતાં. તેમજ તેઓની મહંત પદ તરીકેની મુદત પુરી થવાના એક દિવસ પહેલા તેઓને મહંત પદેથી હટાવવામાં આવ્યા હતાં. આ દરમ્યાન ભવનાથ મહાદેવ મંદિરની પાછળનાં ભાગમાં આવેલા પ્લોટ અને જમીન તેઓએ વ્યકિતગત પોતાનાં નામે ખરીદી હોવાની પણ ફરીયાદ અને રજુઆતો ઉચ્ચકક્ષાએ કરવામાં આવી હતી. હરીગીરીની મહંત પદેથી હકાલપટ્ટી બાદ છેલ્લા એક વર્ષ થયા ભવનાથ મહાદેવ મંદિરનો તમામ વહીવટ વહીવટી તંત્ર સંભાળી રહેલ છે. અને એક વર્ષનાં આ શાસનકાળમાં જ મંદિરની આવકમાં દસ ગણો વધારો થયો છે. તંત્રની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ છેલ્લે ભવનાથ મહાદેવ મંદિરનું મહંતપદુ ભોગવનાર હરીગીરીનાં સમયકાળમાં કોઈ નોંધપાત્ર આવક દર્શાવવામાં આવેલ નથી. એટલું જ નહી જયારે મંદિરનો વહીવટી તંત્રએ કાર્યભાર સંભાળ્યો ત્યારે બેંક બેલેન્સ માત્ર 7.80 લાખ હતું અને એમાંથી પણ રૂા. 2,50,000નું ચુકવણુંં બાકી હતું. અને તેને લઈને પણ સવાલો ઉઠી રહયા હતાં. દરમ્યાન ભવનાથ મંદિરની એકદમ નજીક પાછળના ભાગે અંબાજી મંદિરનાં બ્રહ્મલીન મહંત તનસુખગીરીના ટ્રસ્ટ હસ્તકના સીટી સર્વે નંબર 82ની 217.3738 ચોરસ મીટર તથા સીટી સર્વે નંબર 80ની 134.2453 ચોરસ મીટર કિંમતી જમીન આવેલી હતી. અંબાજી ટ્રસ્ટ દ્વારા આ પ્લોટ વેચવા માટે ચેરીટી કમિશ્નર રાજકોટની મંજુરી મેળવી રૂા. 70 લાખની અપસેટ કિંમત નકકી કરાઈ હતી. શરત મુજબ આ મિલ્કત સનાતન ધર્મનાં ધાર્મિક સ્થાનો વચ્ચે જ વેચવાની હતી જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. આ પ્લોટની હરરાજીમાં ભવનાથનાં પૂર્વ મહંત હરીગીરીએ ભાગ લીધો હતો. અને રૂા. 71 લાખમાં આ બંને પ્લોટ ખરીધ્યા હતાં. આ કિંમતી પ્લોટો જુના અખાડા કે ભવનાથ મંદિર ટ્રસ્ટનાં નામે ખરીદવાનાં હતાં તેનાં બદલે પૂર્વ મહંત હરીગીરીએ તા. 8-2-2023નાં રોજ પોતાનાં અંગત નામે વેંચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. ધાર્મિક હેતુ અને શરતોને આધીન વેચાયેલી આ જમીનનો દુરૂઉપયોગ અને શરતભંગ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવતા વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અને હરીગીરીને નોટીસ પાઠવવામાં આવી છે. અને તા.23 જુલાઈએ હાજર થવા ફરમાન કરાયું છે ત્યારે આ બાબતને લઈને ભવનાથ ક્ષેત્રનાં સંતોમાં અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે.


