બુધવારે મુખ્યમંત્રીનાં હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ : તડામાર તૈયારી

બુધવારે મુખ્યમંત્રીનાં હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ : તડામાર તૈયારી

જૂનાગઢ તા. ર૪
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી બુધવારે જૂનાગઢની વિશેષ મુલાકાતે આવી રહયા છે. તેઓનાં હસ્તે શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ તેમજ વિકાસ કામો માટેનાં ખાતમુર્હુત સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અને જે અંગેની તડામાર તૈયારી ચાલી રહી છે.
આગામી તા. ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં કાર્યક્રમમાં હાલ સ્થાનિક તંત્ર તેમજ જીલ્લા વહીવટી તંત્ર વ્યસ્ત છે જેને કારણે મુખ્યમંત્રીની જૂનાગઢની મુલાકાતનો કાર્યક્રમ સત્તાવાર રીતે હજુ જાહેર થયો નથી. પરંતુ વિશ્વાસપાત્ર સુત્રોમાંથી મળેલી વિગત અનુસાર આગામી તા. ર૮ જાન્યુઆરી બુધવારનાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢનાં મહેમાન બની રહયા છે ત્યારે તે અંગેની તૈયારીને ઓપ આપવામાં આવી રહયો છે. સંભવત જૂનાગઢ કૃષિ યુનિ. ખાતેથી વિવિધ કાર્યક્રમોનાં લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવાય તેમ મનાય છે. જૂનાગઢ શહેર તથા જીલ્લાનાં વિવિધ લોક ઉપયોગી કામોનાં લોકાર્પણ તથા ખાતમુર્હુત માટેનાં આ કાર્યક્રમ અંગેનું આયોજન કરવામાં આવી રહયું છે. જૂનાગઢ શહેરની જનતા માટે વિશેષ આનંદની બાબત એ છે કે છેલ્લા ઘણા સમય થયા જૂનાગઢ શહેરનાં રળીયામણા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી લગભગ પૂર્ણ થઈ છે અને કરોડોનાં ખર્ચે જૂનાગઢને એક નવલું નજરાણાની ભેટ મળવાની છે. જાે કે નરસિંહ મહેતા સરોવરનાં લોકાર્પણ અંગેનો કાર્યક્રમ અગાઉ પણ ઘડાયેલો હતો પરંતુ તારીખ અને સમય ફિકસ ન થતાં આ કાર્યક્રમમાં ફેરફાર થયો હતો અને જાે કોઈ જાતનાં ફેરફાર નહી આવે તો આગામી ર૮ જાન્યુઆરી બુધવારનાં રોજ લોકો જેની રાહ જાેઈ રહયા છે તેવા નરસિંહ મહેતા સરોવરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થશે. આ સાથે જ વિવિધ લોકઉપયોગી કામોનાં લોકાર્પણ તેમજ ખાતમુર્હુત ખરા જ. અને આ રીતે આખું શેડયુલ ગોઠવાઈ રહયું છે. મળતી વિગત અનુસાર મુખ્યમંત્રીનાં હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ ઉપરાંત સોલાર તેમજ અર્બન હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ થાય તેવા નિર્દેશો મળી રહયા છે. આજે અથવા સોમવારે મુખ્યમંત્રીની જૂનાગઢની મુલાકાત અને તેમનાં હસ્તે થનારા લોકાર્પણ અને ખાતમુર્હુત માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરને અમદાવાદનાં કાંકરીયા તળાવ જેવું બનાવવાનાં પ્રયાસો અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરને એક સારૂં રમણીય સ્થાન મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નરસિંહ સરોવરનું લોકાર્પણ તેમજ વિકાસ કામો અને ખાતમુર્હુતની વિધી સંપન્ન કર્યા બાદ નરસિંહ મહેતા સરોવરની મુલાકાત પણ લેશે તેમ મનાય છે.