બરડાના રીણાવાડા ગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે રમતા જુગારધામ પર બગવદર પોલીસનો દરોડો
દરોડા દરમ્યાન પાંચ જુગારીઓ ઝડપાયા, રૂા.૨૧,૧૩૦નો મુદ્દામાલ કબજે : ત્રણ મહિલાઓ પોલીસ દરોડા દરમ્યાન નાસી છૂટી
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.રર
શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ યથાવત્ જોવા મળી રહી છે. દારૂ તથા જુગારની બદી સામે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે બગવદર પોલીસે રીણાવાડા ગામે દરોડો પાડી જાહેરમાં ગંજીપાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.જોકે જુગાર રમતી ત્રણ મહિલાઓ નાસી જવામાં સફળ રહી હતી.પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૧,૧૩૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ જાડેજા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાના અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ. ઝાલાની દેખરેખમાં પોલીસ સ્ટાફ દ્વારા જુગાર વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બગવદર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એ.એસ.આઈ. એચ.ડી. સીસોદીયાને બાતમી મળી હતી કે, રીણાવાડા ગામે રબારીકેડા વિસ્તારમાં કચરા પરબતભાઈ મોઢવાડીયાના મકાન પાસે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જાહેરમાં પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડતાં પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી જેમાં કચરા પરબતભાઈ મોઢવાડીયા (ઉ.વ. ૪૦, રહે. રીણાવાડા), રાજુ છગનભાઈ ઓડેદરા (ઉ.વ. ૪૫), પ્રતાપ પોપટભાઈ સુત્રેજા (ઉ.વ. ૩૦), રાહુલ કેશુભાઈ સુડાસમા (ઉ.વ. ૩૦) તથા રાજુ ભુરાભાઈ કુછડીયા (ઉ.વ. ૪૨, રહે. કુછડી ગામ, કાદા વિસ્તાર)ને ઝડપી પાડ્યા હતા. દરમિયાન જુગાર રમતી ત્રણ મહિલાઓ સંતોકબેન જયમલભાઈ નથુભાઈ ઓડેદરા (ઉ.વ. ૫૦), મધુબેન કરશનભાઈ સાંગાભાઈ કુછડીયા (ઉ.વ. ૫૫) તથા રૂપીબેન લાખાભાઈ બચુભાઈ ઓડેદરા (ઉ.વ. ૪૮) પોલીસના દરોડા દરમિયાન નાસી છૂટતાં પોલીસે તમામ વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


