મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરૂધ્ધ સંસદથી સડક સુધી ધમાસાણ : મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચશે

કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકેએ અલ્ટીમેટમ આપ્યું : ૪૮ કલાકમાં જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે તો જંતર-મંતર ર.૦ સહિત રાષ્ટ્રવ્યાપી આંદોલન

મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરૂધ્ધ સંસદથી સડક સુધી ધમાસાણ : મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચશે

(એજન્સી)     નવી દિલ્હી તા.રપ:
દેશના ચુંટણી પંચમાં મુખ્ય ચુંટણી કમિશ્નર સાથે અન્ય બે ચુંટણી કમિશ્નરો વચ્ચે મતભેદો અંગે જાહેરમાં ધડાકા થયા બાદ વિપક્ષોને હવે નવું હથિયાર મળી ગયુ છે. ગઈકાલે જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી મુખ્ય ચુંટણી કમિશ્નર જવાબદેહીમાંથી છટકી શકશે નહી તેવો હુંકાર કરતા જ્ઞાનેષકુમારનું રાજીનામુ માગ્યુ હતું.
તો બીજી તરફ અગાઉ નીટ પેપર લીક મુદે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ મેળવવામાં સફળ રહેલી કોકરોચ જનતા પાર્ટીએ પણ હવે મુખ્ય ચુંટણી કમિશ્નર રાજીનામુ ન આપે તો ફરી જંતર મંતર પર આંદોલનનું અલ્ટીમેટમ આપી દીધુ છે.
ડાબેરી પક્ષોએ દેશભરમાં એક સપ્તાહના આંદોલનની જાહેરાત કરી છે અને હવે વિપક્ષો આ મુદે સંસદમાં મુખ્ય ચુંટણી કમિશ્નર સામે ઈમ્પીચમેન્ટ - મહાભીયોગ દરખાસ્ત પણ લાવવા તૈયારી કરી રહ્યા છે. તેમજ આ મુદ્દે વિપક્ષો સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવશે તેવું પણ આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે.
દેશના નાગરિકોનો મતાધિકાર છીનવવાના આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી કમિશનરના કામકાજ અંગે સવાલ ઉઠાવતા ‘કોકરોચ‘ ફરી મેદાનમાં આવ્યા છે. જેન-ઝીનું નેતૃત્વ કરનારી કોકરોચ જનતા પાર્ટીએ ૪૮ કલાકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરતા જંતર-મંતર ૨.૦ સહિત રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. બીજીબાજુ ‘સર‘ વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને દેશદ્રોહી ગણાવ્યા હતા. સાથે વોટ ચોરી અને સંસ્થા ચોરીના કાવતરાંમાં પીએમ મોદી અને અમિત શાહ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. 
વધુમાં વિપક્ષે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ફરી મહાભિયોગ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
‘સર‘ મુદ્દે ચૂંટણી પંચનો વિવાદ સામે આવ્યા પછી કોકરોચ જનતા પાર્ટીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્ય ચૂંટણી કમિશનર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, કો-કન્વીનર સૌરવ દાસ અને પ્રવક્તા આષુતોષ રાંકાએ જણાવ્યું કે, જ્ઞાનેશ કુમાર સૌથી મોટા દેશવિરોધી છે. તેઓ દેશના લોકતંત્ર માટે સૌથી મોટું જોખમ છે. અમારી ત્રણ માગો છે. જ્ઞાનેશ કુમારની હકાલપટ્ટી કરવામાં આવે. આગામી બધી જ ચૂંટણીઓ પર સ્ટે મૂકવામાં આવે અને એસઆઈઆર પ્રક્રિયા બંધ કરવામાં આવે.
સીજેપીએ કહ્યું, સુપ્રીમ કોર્ટ પણ આ વિવાદમાં સમાનપણે દોષિત છે. સુપ્રીમે આદેશ આપીને બધી જ એસઆઈઆર ફાઈલો જપ્ત કરીને પોતાની કસ્ટડીમાં લેવી જોઈએ. જેથી કોઈ એવો દાવો ના કરી શકે કે ફાઈલો આગમાં સળગીને ખાખ થઈ ગઈ. જ્ઞાનેશ કુમાર ૪૮ કલાકમાં રાજીનામું નહીં આપે તો જંતર-મંતર ૨.૦ સહિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે. સિસ્ટમ ઠીક ના થઈ જાય ત્યાં સુધી વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. સીજેપીએ આક્ષેપ કર્યો કે ‘સર‘ કામગીરી હેઠળ દેશભરમાંથી ૧૩ કરોડ મતદારોના નામ હટાવાયા છે.
અભિજિત દીપકેએ આક્ષેપ કર્યો કે, બળવાખોર જૂથોને પ્રાદેશિક પક્ષોના ચૂંટણી ચિહ્નો અને ફંડ સોંપી દેવાયા છે. આ ભાજપની શેલ કંપનીઓ છે. ભાજપ નરેન્દ્ર મોદી નહીં જ્ઞાનેશ કુમારના કારણે જીતી રહ્યો છે. જ્ઞાનેશ કુમાર એક પછી એક રાજ્યો ભાજપને જીતાડી રહ્યા છે.
બીજીબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જ્ઞાનેશ કુમાર પર શાબ્દિક હુમલો કરતા તેમને સૌથી મોટા દેશગ્રોહી ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, ભાજપના રાજમાં વોટ ચોરી, પછી કાયદા ચોરી અને હવે સંસ્થા ચોરી થઈ રહી છે અને તેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સંડોવાયેલા છે. જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. વોટ ચોરી સાબિત કરવા માટે અમારી પાસે પર્યાપ્ત પુરાવા છે. ૨૦૨૩થી હું વોટચોરી અંગે પુરાવા સાથે અવાજ ઊઠાવી રહ્યો છું.