મુઘલ ઇતિહાસ અંગે ટ્વિંકલ ખન્નાની વ્યંગાત્મક ટિપ્પણીથી વિવાદ, યુઝરે યાદ અપાવી અક્ષય કુમારની ‘કેસરી’

મુઘલ ઇતિહાસને પાઠ્યપુસ્તકોમાંથી હટાવવાની ચર્ચાને મુઘલાઈ વાનગીઓ સાથે જોડતાં સોશિયલ મીડિયા પર ટીકા; ઐતિહાસિક સંઘર્ષને ખાણીપીણી સાથે સરખાવવા સામે ઉઠ્યા સવાલ

મુઘલ ઇતિહાસ અંગે ટ્વિંકલ ખન્નાની વ્યંગાત્મક ટિપ્પણીથી વિવાદ, યુઝરે યાદ અપાવી અક્ષય કુમારની ‘કેસરી’

મુંબઈ, તા.૭
અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના પોતાની તાજેતરની ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. પોતાની કોલમમાં તેમણે ઇતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ઇતિહાસને હટાવવાની ચર્ચા પર વ્યંગ કરતાં તેને મુઘલાઈ ખાણીપીણી સાથે જોડ્યું હતું. આ ટિપ્પણી બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમની દલીલ સામે વાંધો ઉઠાવ્યો છે.
ટ્વિંકલ ખન્નાએ પોતાની કોલમમાં વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે જે લોકો ઇતિહાસના પુસ્તકોમાંથી મુઘલોને હટાવવા માગે છે, તેમણે તેની શરૂઆત પોતાના ભોજનથી કરવી જોઈએ. આ દરમિયાન તેમણે કોફતા, કોરમા, કબાબ અને મુઘલાઈ પનીર જેવી વાનગીઓનો ઉલ્લેખ કર્યો હતો. ઇતિહાસમાંથી મુઘલોને દૂર કરવાની વાત કરવામાં આવે ત્યારે મુઘલાઈ વાનગીઓના સ્વાદને કેવી રીતે જાળવી શકાય તેવો સવાલ તેમણે વ્યંગાત્મક રીતે ઉઠાવ્યો હતો.
આ ટિપ્પણી સામે કન્ટેન્ટ ક્રિએટર શીમા ખેરે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે દલીલ કરી હતી કે ઇતિહાસમાં થયેલી હિંસા, યુદ્ધો અને સંઘર્ષોની સરખામણી ખાણીપીણી સાથે કરવી યોગ્ય નથી. તેમના મતે કોઈ ઐતિહાસિક સમયગાળાને માત્ર તેની વાનગીઓના સંદર્ભમાં જોવાને બદલે તે સમયના યુદ્ધો, વિજય અને સંઘર્ષોને પણ સમજવા જરૂરી છે.
આ ચર્ચામાં શીમા ખેરે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નો પણ ઉલ્લેખ કર્યો હતો. ‘કેસરી’ સારાગઢીની લડાઈ પર આધારિત ફિલ્મ છે, જેમાં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉદાહરણ આપીને તેમણે ઇતિહાસ અને ખોરાકને એકબીજા સાથે જોડતી ટ્વિંકલની દલીલ સામે સવાલ ઉઠાવ્યો હતો.
ટ્વિંકલ ખન્નાની આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે શાળાના પાઠ્યપુસ્તકોમાં મુઘલ ઇતિહાસને આપવામાં આવતા સ્થાન અને ઐતિહાસિક વિષયવસ્તુમાં થતા ફેરફારો અંગે ચર્ચા ચાલી રહી છે.
આ સમગ્ર મુદ્દે અલગ-અલગ અભિપ્રાયો સામે આવી રહ્યા છે. એક તરફ ટ્વિંકલ ખન્નાની ટિપ્પણીને વ્યંગ તરીકે જોવામાં આવી રહી છે, તો બીજી તરફ કેટલાક યુઝર્સે ઐતિહાસિક ઘટનાઓ અને ખાણીપીણીને એક જ દલીલ સાથે જોડવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.