રેજીમેન્ટ ઓફ આટિર્લરીની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે દ્વારકાથી દિલ્હી સુધી ‘ભારત રણભૂમિ દર્શન’ કાર રેલીનો ૩ ફેબ્રુઆરીએ શુભારંભ થશે
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૩૧
રેજિમેન્ટ ઓફ આટિર્લરી વર્ષ ૨૦૨૬માં તેની ર૦૦મી વર્ષગાંઠ ઉજવી રહી હોય દ્વિશતાબ્દી નિમિત્તે ભારણ રણભૂમિ દર્શન નામની અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ રેલીમાં સેના, નૌકાદળ, બી.એસ.એફ.ના તોપખાનાઓ ભાગ લેશે. આ રેલી દરમ્યાન ઐતિહાસિક યુધ્ધભૂમિઓ તેમજ શહીદોને સન્માનિત કરવામાં આવશે. તા.૩ ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારે ૮ કલાકથી દ્વારકાના સનસેટ પોઈન્ટ ખાતેથી શરૂ થનાર રેલી આશરે રર દિવસમાં ૩૪૦૦ કિમીનું અંતર કાપી ૨પ ફેબ્રુઆરીએ નવી દિલ્હી ખાતે આવેલ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે પહોંચશે. દરેક સ્થાન પર ટીમ ફલેગ ઈન, ફલેગ ઓફ ઉપરાંત દરેક સ્થાનમાં લડવામાં આવેલ ઐતિહાસિક લડાઈઓ અને બહાદુરીની ગાથાની ઉજવણીની થીમ પર ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યુધ્ધ નાયકો, વીર નારી, માતાઓ, નિવૃત સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો, વિદ્યાર્થીઓ, સ્થાનીકો અને સ્ટેશન આસપાસના નાગરીકો તેમજ લશ્કરી વહીવટીતંત્રને આ ભવ્ય વિજયને શ્રધ્ધાંજલિ આપવા અને સન્માનિત કરવા આમંત્રીત કરાયા છે.


