સંગીત સંધ્યા પહેલાં જ થંભી ગયા શ્વાસ, ‘દુબઈના ઉદિત નારાયણ’ તરીકે જાણીતા નિસાર વાયનાડનું નિધન

૪૪ વર્ષની વયે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા; ઉદિત નારાયણ જેવા અવાજને કારણે UAEના સ્ટેજ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મેળવી હતી વિશેષ લોકપ્રિયતા

સંગીત સંધ્યા પહેલાં જ થંભી ગયા શ્વાસ, ‘દુબઈના ઉદિત નારાયણ’ તરીકે જાણીતા નિસાર વાયનાડનું નિધન

યુએઈ (દુબઈ), તા.૮
યુએઈમાં વસતા મલયાલી સમુદાય અને સંગીતપ્રેમીઓ વચ્ચે પોતાની વિશિષ્ટ ગાયકી માટે જાણીતા ગાયક નિસાર વાયનાડનું ૪૪ વર્ષની વયે દુબઈમાં નિધન થયું છે. બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર ઉદિત નારાયણ જેવા અવાજને કારણે નિસાર યુએઈના સ્ટેજ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ‘દુબઈના ઉદિત નારાયણ’ તરીકે જાણીતા બન્યા હતા.
મળતી માહિતી અનુસાર શનિવારે બપોરે નિસારને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ તેમના મિત્રો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહેવાલ મુજબ ડેથ નોટિફિકેશનમાં તેમના મૃત્યુનું કારણ ‘એસિડોસિસ’ નોંધવામાં આવ્યું છે. એસિડોસિસ એવી તબીબી સ્થિતિ છે જેમાં શરીરના પ્રવાહી અને લોહીમાં એસિડનું પ્રમાણ અસામાન્ય રીતે વધી જવાથી પીએચ સ્તરમાં ઘટાડો થાય છે.
કરુણ સંયોગ એ રહ્યો કે જે દિવસે નિસારનું નિધન થયું, તે જ સાંજે તેમને અજમાન ખાતે યોજાનારા એક મ્યુઝિકલ કોન્સર્ટમાં લાઈવ પર્ફોર્મન્સ આપવાનું હતું. જોકે કાર્યક્રમમાં પહોંચે તે પહેલાં જ તેમનું નિધન થયું. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ હોવાનું જણાવાયું છે.
નિસાર વાયનાડ બોલિવૂડ ગાયક ઉદિત નારાયણના પ્રશંસક હતા. ખાસ કરીને લાઈવ કાર્યક્રમોમાં હિન્દી ગીતો રજૂ કરતી વખતે તેમના અવાજની ઉદિત નારાયણના અવાજ સાથે થતી સમાનતાએ તેમને ખાડી દેશોમાં વિશેષ ઓળખ અપાવી હતી.
કેરળના લોકસંગીતથી પોતાની સંગીતયાત્રાની શરૂઆત કરનારા નિસારે સમય જતાં હિન્દી, મલયાલમ અને કન્નડ ગીતોમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. અહેવાલ મુજબ તેમણે કન્નડ ફિલ્મ તેમજ મલયાલમ ફિલ્મ ‘પ્રોફેસર દિનકાન’ સાથે પ્લેબેક સિંગર તરીકે પણ કામ કર્યું હતું.
નિસાર વાયનાડના નિધન બાદ મલયાલમ પ્લેબેક સિંગર અફસલ સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેરળના વાયનાડથી દુબઈના સંગીત મંચો સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરનારા નિસારના આકસ્મિક નિધનથી તેમના ચાહકો અને સંગીતજગતમાં શોકની લાગણી પ્રસરી છે.