સિનિયર સિટીઝન બ્રહ્મ ગૃપ, જૂનાગઢ દ્વારા દેવાધિદેવ મહાદેવને ગંગાજળાભિષેક કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
દેવાધિદેવ મહાદેવની સેવા પૂજાનો પ્રિય માસ એટલે શ્રાવણ માસ, શ્રાવણ માસમાં જેટલી શિવપૂજા તથા શિવના ગુણગાન ગવાય તેટલાં ઓછાં છે તેમ કહેવાય છે, શિવજીને ગંગાજળ અતિ પ્રિય હોવાથી સિનિયર સિટીઝન બ્રહ્મ ગૃપ, જૂનાગઢ દ્વારા શ્રાવણ માસના પ્રથમ રવિવારે તા.૧૬-૦૮-૨૦૨૬ ના રોજ પોસ્ટ ઓફિસમાંથી મળતી ગંગાજળની બોટલો ખરીદી મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મ ભાઈઓ તથા બહેનોએ ગિરિ તળેટીમાં આવેલ અતિ પ્રાચીન દેવાધિદેવ મહાદેવના ભવનાથ મહાદેવ મંદિર ખાતે શિવલિંગ ઉપર શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ બાદ ગંગા જળાભિષેક કરી સાથે પંચામૃત, બીલીપત્ર, ફળ, ફૂલ , પ્રસાદ, ધોતી, ફૂલહાર ધરાવી સૌએ ધન્યતા અનુભવી હતી. ત્યારપછી ભવનાથ મહાદેવ મંદિરના બંને પૂજારી ભાઈઓ તથા વ્યવસ્થાપક ડી.પી.જોષીને શાલ ઓઢાડી જાહેર સન્માન સાથે હર હર મહાદેવ અને નમ: પાર્વતી પતયે નમ: ના નાદ સાથે દિવ્ય અને ભવ્ય મહાદેવની આરાધના કરવામાં આવી.
આજ રીતે ગત માસમાં ભવનાથ મહાદેવ મંદિર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષભાઈ પંડ્યા, રાજુભાઇ વ્યાસ, યોગેશભાઈ વ્યાસ નરેન્દ્રભાઈ દવે વિગેરેએ જહેમત ઉઠાવી હતી.


