સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન કરી કામગીરીનો શુભારંભ કર્યો અસામાજીક તત્વોને રેન્જ વિસ્તાર છોડી દેવા ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ચેતવણી

લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રથમ પ્રાયોરીટી, પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થકની કામગીરી અમારી ફરજ છે, લોકોને સહયોગ આપવા અપીલ

સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન કરી કામગીરીનો શુભારંભ કર્યો અસામાજીક તત્વોને રેન્જ વિસ્તાર છોડી દેવા ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ચેતવણી

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ રેન્જનાં નવ નિયુકત ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જૂનાગઢનો વિધિવત ચાર્જ સંભાળતા પહેલા સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન કરી અને ધન્યતા અનુભવી હતી તે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, તેઓનું સૌભાગ્ય છે કે આજે ફરીવાર જૂનાગઢ રેન્જ વિસ્તારમાં પ્રમોશન સાથે રેન્જનાં ડીઆઈજી તરીકે નિમણુંક કરવામાં આવી છે આ તકે લોકોને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબુત બને તે માટેનાં સંગીન પગલાઓ લેવામાં આવશે. કોઈ જાતની કોઈની શેહશરમ રાખવામાં નહી આવે અને અસામાજીક તત્વોને પણ પડકાર ફેકતા જણાવ્યું હતું કે, આજે જયારે જૂનાગઢ રેન્જ વિસ્તારનાં ડીઆઈજી તરીકે હું ચાર્જ સંભાળી રહયો છું ત્યારે કાં તો તમે તમારી ગેરકાયદેસર પ્રવૃતિ મુકી દેજાે અથવા તો રેન્જ વિસ્તાર છોડી દેવા ખુલ્લી ચેતવણી અસામાજીક તત્વોને આપી હતી.  
જૂનાગઢ રેન્જનાં નવનિયુકત ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ગત તા. ૮-૧ર-૧૯૭૮નાં અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ભાડીયાદ પીર ગામે જન્મેલા તેઓએ ભાવનગર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ અને એમએસસીમાં ફસ્ટ ક્લાસ મેળવેલ છે. વર્ષ ર૦૦રમાં અમદાવાદ વટવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તેઓએ જીપીએસસીના પરીક્ષા આપી અને ટોપર્સ તરીકે ઉતીર્ણ થયા અને કોન્સ્ટેબલમાંથી ડીવાયએસપીના પદ સુધી પહોંચ્ય હતા. ત્યારબાદ પંચમહાલના હાલોલ ખાતે પ્રોબેશ્નલ ડીવાયએસપી, સોમનાથ-વેરાવળ ખાતે રેગ્યુલર ડીવાયએસપી તરીકે નિમાયા, આ ઉપરાંત સાબરમતી જેલ અધિક્ષક, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મુખ્યમંત્રી સુરક્ષા બંદોબસ્તમાં સર્વ શ્રેષ્ઠ કામગીરી બજાવી. તાજેતરમાં જ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાયેલ જેમાં સમગ્ર રાજયમાંથી ૧૦૮ અશ્વોની જે સોમનાથ ખાતે અશ્વયાત્રા નીકળી હતી. તેના તેઓ નોડલ ઓફિસર હતા અને તમામ વ્યવસ્થા તેઓએ કાબીલે દાદ રીતે બજાવી હતી. આ ઉપરાંત પાર વગરના ડીટેકશનો અને કલુ મળતી ન હોવા છતાં આગવી સુઝથી ગુનાઓ ઉકેલ્યા છે. બે હાથમાં તલવાર રાખી તલવાર બાજીના કઠીન કરતબ સિધ્ધી તેઓને હાંસીલ છે. તેઓ પોતે સારા નિશાન બાજ છે. તેમને તથા તેમના પત્નીને તથા પુત્રને શુટીંગમાં રાજય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડો મળેલા છે. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં જાંબાઝ અને કાર્યદક્ષ નવનિયુકત ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા આજે સોમનાથ મહાદેવનાં દર્શને આવી પહોંચતા તેઓને પોલીસ વિભાગ દ્વારા ઉષ્માભેર આવકાર આપી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા બાદ જૂનાગઢ ખાતે રેન્જ ડીઆઈજી તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને આ સાથે જ રેન્જ વિસ્તારનાં અધિકારીઓ સાથે એક બેઠક પણ બોલાવી હતી અને રેન્જ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમિક્ષા કરી હતી.