સેવા સપ્તાહ અંતર્ગત સાસણમાં મહારક્તદાન કેમ્પ, 114 બોટલ રક્ત એકત્રિત

સાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાતાઓનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ; એકત્ર થયેલું રક્ત થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે ઉપયોગમાં લેવાશે

સેવા સપ્તાહ અંતર્ગત સાસણમાં મહારક્તદાન કેમ્પ, 114 બોટલ રક્ત એકત્રિત

જૂનાગઢ,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત સાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 114 બોટલ રક્ત એકત્રિત થયું હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મહારક્તદાન કેમ્પમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણી, ગ્રામ પંચાયતના સરપંચ જુમાભાઈ કટિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૂજાબેન પ્રિયદર્શની, ડો. કેવલ શિંગળા, ડો. વાસુદેવ જાદવ, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ યશવંતભાઈ પટોડીયા, તાલુકા સુપરવાઈઝર દીપકભાઈ બલદાણીયા તેમજ સાસણના વેપારી અગ્રણી હિમાંશુ અનિલભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન સ્થાનિક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાના કાર્યમાં સહભાગીતા નોંધાવી હતી. એક જ કેમ્પમાં કુલ 114 બોટલ રક્ત એકત્રિત થતાં આયોજકોએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સામાજિક આગેવાન પીન્ટુભાઈ મશરુના જણાવ્યા અનુસાર કેમ્પમાં એકત્ર કરવામાં આવેલું રક્ત થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સમયસર મદદ મળી રહે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા સાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આશા વર્કર બહેનોએ કામગીરી સંભાળી હતી. આ ઉપરાંત રાજેશભાઈ વાળા, જયદેવભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ બલદાણીયા અને ભાવેશભાઈ પરમાર સહિતના સહયોગીઓએ પણ આયોજનમાં વિશેષ જહેમત ઉઠાવી હતી.