હર કરમ અપના કરેંગે એ વતન તેરે લીયે...જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી : ધ્વજવંદન સહીતનાં કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ તા. ૧પ
દેશનાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર જિલ્લા સહીત સૌરાષ્ટ્રભરમાં ધ્વજવંદન સહીતનાં કાર્યક્રમો યોજાયા છે. દેશ ભક્તિનાં ગીતોનાં ગુંજારવ સાથે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિનો રંગ સર્વત્ર છવાયો છે. ભારત દેશમાં વેપાર કરવા માટે આવેલા અંગ્રેજાેએ દેશ ઉપર ધીમે ધીમે પગપેસારો કરી અને અંગ્રેજી હકુમત સ્થાપી હતી. ઈષ્ટ ઈન્ડીયા કંપનીનાં નેજા હેઠળ અંગ્રેજાેએ શાસન સ્થાપ્યું હતું. અંગ્રેજાેના શાસનકાળમાં ભારતીય પ્રજા ઉપર અનેક પ્રકારના સીતમો, અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. ભારતની પ્રજા ગુલામીની જંજીરોમાં જકડાયેલી હતી. ર૦૦ વર્ષનાં શાસન દરમ્યાન અંગ્રેજાેએ ભારતીય પ્રજા પર અત્યાચાર ગુજાર્યા છે. ગુલામીની જંજીરમાંથી ભારતને આઝાદી અપાવવાનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારત માતાનાં સપુતોએ બલીદાનો દીધા છે. નામી, અનામી સેંકડો વીરોએ હસ્તા મુખે શહીદી વ્હોરી છે. સ્વાતંત્ર્ય ચળવળનાં ક્રાંતીકારીઓએ દેશને આઝાદી અપાવવા માટે મોટી કિંમત ચુકવવી પડી છે. અંગ્રેજાેનાં શાસન વિરૂધ્ધના જંગમાં લડાઈ માટે ઘરે ઘરેથી લોકો નીકળી પડયા હતા. અંગ્રેજી શાસનના વિરોધમાં લોકોને જાગૃત કરવાનાં કાર્યક્રમો, પ્રભાત ફેરી, પીક પોકેટીંગ, જયહિન્દનાં નારા લગાવવા, પત્રીકા વિતરણ સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવતા હતા. જલીયાવાલા બાગનાં નિર્મમ હત્યાકાંડ બાદ સમગ્ર દેશમાં આઝાદીની ચળવળો વેગવંતી બની હતી. શહીદ ભગતસિંહ, સુખદેવ અને તેના સાથીદારો હસ્તા મુખે ફાંસીએ ચડી ગયા હતા. સુભાષચંદ્ર બોઝ સહીતના નામી અનામી વરીષ્ઠ નેતાઓએ આઝાદીની જયોત જલતી રાખી હતી. દરમ્યાન મોહનદાસ કરમચંદ ગાંધી (ગાંધીબાપુ)એ વધુ વેગવંતી બનાવી હતી. મીઠાના કાયદાનો ભંગ કરવાનાં સવિનય કાનુન ભંગ, દાંડીયાત્રાને કારણે દેશભરમાં ભારતને આઝાદી અપાવવાનો જુવાળ ઉઠયો હતો. આ સાથે જ અંગ્રેજાેની હકુમતનાં પાયા ડગમગાવવા લાગ્યા હતા. ૧પમી ઓગષ્ટ, ૧૯૪૭નાં મધરાતે ભારતને આઝાદી મળી હતી. અંગ્રેજાે આ દેશ છોડી ચાલ્યા ગયા હતા અને ભારત સ્વતંત્ર બન્યું હતું. ત્યારબાદ ર૬મી જાન્યુઆરી ૧૯પ૦નાં રોજ પ્રજાસત્તાક તંત્ર અમલમાં આવ્યું હતું. બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણ અમલમાં આવ્યું હતું.
ભારત દેશ માટે ૧પમી ઓગષ્ટ અને ર૬મી જાન્યુઆરીનાં પર્વને સ્વાતંત્રતાનાં પર્વ તરીકે દર વર્ષે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. અને ભારતને આઝાદી અપાવનારા ભારત માતાનાં વીર સપુતો, શહીદો અને સ્વાતંત્ર્ય વીરોનાં યોગદાનને યાદ કરવામાં આવે છે. ધ્વજવંદનનાં કાર્યક્રમ રાષ્ટ્રગીતને સલામી અને ભારત દશની એકતા અને અખંડીતતાનાં શપથ લેવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વ એટલે કે ૧પમી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી સર્વત્ર ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં આજે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ મનપા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે. ઉપરાંત શાળા, કોલેજાેમાં પણ સ્વાતંત્ર્ય પર્વ નિમીત્તે ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. આ ઉપરાંત સેવાકીય મંડળ, સેવાભાવી સંસ્થા, કોર્ટ, વિવિધ સરકારી કચેરીઓ, સરકારના એકમો વગેરે દ્વારા પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજાયા છે. રાજકીય પક્ષો દ્વારા પણ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ધ્વજવંદનના કાર્યક્રમો યોજી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી સર્વત્ર ઉજવણી કરવામાં આવી છે. અને દેશભક્તિનાં રંગે સમગ્ર સૌરાષ્ટ્ર રંગાયું છે.


