ઓરીસ્સાના દરિયાકાંઠેથી કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો : ઓએનજીસીને મોટી સફળતા
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
મધ્યપૂર્વના દેશોમાં જ્યારે ભયાનક સ્તરે યુદ્ધ પહોંચતા એક પછી એક દેશોમાં ઓઈલ અને ઊર્જાની અછત વર્તાતી જઈ રહી છે ત્યારે ભારતને મોટી રાહત આપે તેવી શોધ થઇ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને ભારત માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટી સફળતા મળી છે.
ઓડિશાના દરિયાકાંઠાથી આશરે ૪૩ કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ ‘૨૮‘ નામના કૂવામાં આ શોધ થઈ હતી, જ્યાંથી છેલ્લા ત્રણ દિવસથી સતત સારા દબાણ અને ઝડપ સાથે ગેસ નીકળી રહ્યો છે.
ભારત માટે આ શોધ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે તેનાથી દેશના વિદેશી તેલ અને ગેસ આયાત બિલમાં મોટો ઘટાડો થઈ શકે છે.


