ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂા.40 કરોડની ફાળવણી કરાઈ

વરસાદનાં કારણે ક્ષતિગ્રસ્ત બનેલા રસ્તાઓ પૈકી 365 રસ્તાઓ પૂર્વવત કરાયા

ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂા.40 કરોડની ફાળવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.25
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર(SEOC) ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં તેમણે રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુન:સ્થાપન અંગે જે-તે વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ ૫ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેના કારણે આગામી 3-4 દિવસ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાવર્ત્રિક વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરો અને વહિવટી તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા સૂચનાઓ આપી હતી. સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદની જાણકારી આપતા રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં તો છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 90.98 ટકા અને 95.13 ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્ય સરકારે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે અને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 40,500 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા 6367 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા બચાવ કામગીરી પૂર્ણતાના આરે છે. વલસાડ ખાતે રેસ્ક્યુ પૂર્ણ થતાં NDRFની ટીમ 15 બોટ સાથે અમદાવાદ રવાના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની કુલ 17 અને એસ.ડી.આર.એફ.ની 32 ટીમો સ્થાનિક પ્રશાસનની મદદમાં છે.
ઉત્તર ગુજરાતમાં સંભવિત સ્થિતિ માટે NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એટલું જ નહિ, બચાવ કામગીરી માટે આર્મીની 2 ટુકડી અમદાવાદ, 2 વલસાડ અને 2 નવસારીમાં તૈનાત કરવામાં આવી છે તથા 4 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ વધુ વિગતો આપતાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, બચાવ કામગીરી પૂર્ણ થવાની સાથે જ હવે રાહત અને પુન:સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂા.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, વલસાડમાં સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નવસારીમાં પાણી ઓસરતાં જ આ કામગીરી હાથ ધરવામાં આવશે. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પૈકી 365 રસ્તાઓ પુર્વવત કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓની મરામત માટે 225 જેસીબી, 1500થી વધુ મશીનરી અને 1500 કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં રસ્તાના મરામતની કામગીરીના મોનિટરિંગ અને માર્ગદર્શન માટે 1 ચીફ એન્જિનિયર અને 1 ઓ.એસ.ડી.ને ખાસ ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડિઝાઇન એક્સપર્ટ્સની 6 ટીમ પણ કાર્યરત છે. ભારે વરસાદને કારણે સબસ્ટેશનોમાં કે જે-તે વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અથવા ક્ષતિના કારણે ખોરવાયેલો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા ઊર્જા વિભાગની 350 ટીમો અને 1000 વધુ વીજ કર્મીઓ સેવારત છે. મોટા ભાગના ગામોમાં શુક્રવારે મોડી રાત સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે તેમ ઉર્જા અગ્ર સચિવએ બેઠકમાં જણાવ્યું હતું. પૂરના પાણી ઓસરી ગયા બાદ સંભવિત રોગચાળો અટકાવવા માટે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન કેમ્પેઈન મોડમાં હાથ ધરવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસે જે વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે તે જિલ્લાઓને સંપૂર્ણ સજ્જતા સાથે કાર્યરત રહેવા અને લોકોમાં વરસાદને લઈને કોઈ ડર ન ફેલાય તે માટે સોશિયલ મિડિયા સહિતના માધ્યમોથી વખતો-વખત માહિતગાર કરતા રહેવા સૂચન કર્યુ હતું.