અદનાન સામીએ ભારતીય નાગરિકતા બાદના જીવન અંગે કરી વાત, કહ્યું- ‘હું ભારતનો થઈ ગયો અને ભારત મારું’

પાકિસ્તાની નાગરિક હોવા છતાં ભારતમાં કામ મેળવવામાં મુશ્કેલી નહોતી પડી હોવાનો દાવો; ‘કભી તો નજર મિલાઓ’થી મેળવી હતી વ્યાપક લોકપ્રિયતા

અદનાન સામીએ ભારતીય નાગરિકતા બાદના જીવન અંગે કરી વાત, કહ્યું- ‘હું ભારતનો થઈ ગયો અને ભારત મારું’

મુંબઈ, તા.૯
પ્રખ્યાત ગાયક અદનાન સામીએ એક ઈન્ટરવ્યુમાં ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પોતાના જીવન અને કારકિર્દીમાં આવેલા ફેરફારો અંગે વાત કરી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની નાગરિક હોવા દરમિયાન પણ ભારતમાં કામ મેળવવામાં તેમને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો, પરંતુ ભારતીય નાગરિક બન્યા બાદ તેમના માટે ઘણું બદલાઈ ગયું હતું.
અદનાન સામીએ કહ્યું હતું કે, “જ્યારે હું પાકિસ્તાની નાગરિક હતો ત્યારે પણ ભારતમાં કામ મળવું મારા માટે મુશ્કેલ નહોતું, પરંતુ ભારતીય નાગરિકતા મળ્યા પછી ઘણું બધું બદલાઈ ગયું. હું ભારતનો થઈ ગયો અને ભારત મારું થઈ ગયું.”
અદનાન સામી માર્ચ ૨૦૦૧માં વિઝિટર વિઝા પર ભારત આવ્યા હતા. ત્યારબાદ તેમણે ભારતીય સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી. વર્ષ ૨૦૧૫માં તેમનો પાકિસ્તાની પાસપોર્ટ રિન્યૂ ન થયા બાદ તેમણે ભારતમાં પોતાની કાનૂની સ્થિતિ જાળવી રાખવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.
અદનાન સામી અગાઉ પણ પાકિસ્તાન છોડીને ભારતમાં આવવાના પોતાના નિર્ણય અંગે વાત કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સંગીત ઉદ્યોગમાં કારકિર્દીને આગળ વધારવા માટે અપેક્ષા મુજબની તકો અને સહયોગ મળી રહ્યાં નહોતાં. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે જાણીતા ગાયિકા આશા ભોંસલેએ તેમને ભારતમાં સંગીતક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અદનાન સામીએ ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં પોતાની સંગીત કારકિર્દી શરૂ કરી હતી. આલ્બમ અને હિન્દી ફિલ્મોના ગીતોના માધ્યમથી તેમણે ભારતીય શ્રોતાઓમાં વિશેષ લોકપ્રિયતા મેળવી. તેમનો આલ્બમ ‘કભી તો નજર મિલાઓ’ ખાસ સફળ રહ્યો હતો અને તેના કારણે તેમની લોકપ્રિયતામાં મોટો વધારો થયો હતો.
ભારતીય શાસ્ત્રીય, પોપ અને ફિલ્મી સંગીતક્ષેત્રે આપેલા યોગદાન બદલ ભારત સરકારે વર્ષ ૨૦૨૦માં અદનાન સામીને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કર્યા હતા.