‘અમારૂ પાણી રોકયું તો હાથ કાપી નાખીશું’ પાકિસ્તાને ભારતને ફરીવાર ધમકી આપી
ઇસ્લામાબાદ તા.30
પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર ફરી એકવાર ભારતને ધમકી આપી છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે જો કોઈએ પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવાનો પ્રયાસ કર્યો તો અમે તે હાથ કાપી નાખીશું. તેમણે દાવો કર્યો કે ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવા માગે છે. મુસાદિક મલિકે સૂચના મંત્રી અતાઉલ્લાહ તરાર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પડોશી દેશના વડાપ્રધાનના હાથમાં એક નળ છે. તેઓ કહે છે કે પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ જવા દેશે નહીં. જેઓ અમારા હિસ્સાના પાણી પર દાવો કરશે, તેમના હાથ કાપી નાખવામાં આવશે. જ્યારે અતાઉલ્લાહ તરારે કહ્યું કે સિંધુ જળ સંધિ કાયદેસર રીતે હજુ પણ લાગુ છે. તેમના મતે, ભારત તેને ન તો એકતરફી સ્થગિત કરી શકે છે, ન રદ કરી શકે છે અને ન તો તેમાં ફેરફાર કરી શકે છે.


