કર્તવ્ય પથ પર ભવ્ય ગણતંત્ર દિવસ પરેડ

કર્તવ્ય પથ પર ભવ્ય ગણતંત્ર દિવસ પરેડ
Firstpost

નવી દિલ્હી તા. ર૬
દેશ આજે ૭૭મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહયો છે જે અવસરે નવી દિલ્હીમાં આવેલા કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ  દ્વોપદી મૂર્મૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું ત્યારબાદ ર૧ તોપોની સલામી આપવામાં આવી હતી. આ વખતની પ્રજાસત્તાક દિવસની પરેડનાં મુખ્ય મહેમાન તરીકે યુરોપીયન કાઉન્સીલનાં અધ્યક્ષ એન્ટોનીયો કોસ્ટા અને યુરોપીયન કમિશનનાં અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેન ખાસ ઉપસ્થિત રહયા છે.  આ કર્તવ્ય પરેડમાં વિવિધ રાજયોની ઝાંખીઓ પ્રદર્શીત કરવામાં આવી હતી જેનું થીમ ‘સ્વતંત્રતાનો મંત્ર - વંદે માતરમ્, સમૃધ્ધિનો મંત્ર - આત્મ નિર્ભર ભારત’ પર આધારીત હતો. પરેડનાં પ્રારંભે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ ઓપરેશન સિંદુરનાં ધ્વજ સાથે અતિભવ્ય પ્રદર્શન કર્યુ હતું. ત્યારબાદ ભારતની પ્રચંડ સૈન્ય શકિતનાં પ્રદર્શન સાથે વિવિધ રાજયોની સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રદર્શીત કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરેડ પહેલા વોર મેમોરીયલ પર શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તેમજ બંને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. પ્રજાસત્તાક દિવસની પરેડમાં સૈન્યની ત્રણેય પાંખો દ્વારા માર્ચ કરવામાં આવી હતી. જેમાં ઓપરેશન સિંદુર - એકતા દ્વારા વિજય દર્શાવતા સુત્રો સાથે માર્ચ કરી હતી. ભવ્ય આર્મી બેન્ડનાં સુરોથી તમામ ઉપસ્થિતો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.