ગુજરાત સહિત 17 રાજયોમાં 85 કિમીની ઝડપે ફુંકાતા પવન સાથે મેઘરાજાના તોફાની આગમનની IMBની આગાહી : હાઈએલર્ટ 

(એજન્સી)    નવી દિલ્હી તા.25:
સમગ્ર દેશમાં ચોમાસાએ ગતિ પકડી છે અને આગામી કલાકો ભારેથી અતિભારે સાબિત થવાના એંધાણ મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી અને અત્યંત ભયજનક અપડેટ અનુસાર, ગુજરાત સહિત દેશના 17 રાજ્યોમાં આગામી કલાકોમાં મેઘરાજા વાજતે-ગાજતે અને ભયાનક વંટોળ સાથે ત્રાટકી શકે છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ રાજ્યોમાં કડાકા-ભડાકા અને વીજળીના તાંડવ સાથે 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે આદેશો આપવામાં આવ્યા છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં એકસાથે પાંચ શક્તિશાળી વેધર સિસ્ટમ્સ સક્રિય થવાના કારણે આ અસાધારણ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં સમુદ્રની સપાટી પર ચોમાસાનો મુખ્ય પટ્ટો (મોન્સૂન ટ્રફ) રાજસ્થાનથી લઈને છેક બિહાર સુધી લંબાયેલો છે, તેની સાથે બંગાળની ખાડીમાં એક મજબૂત સાયક્લોનિક સકર્યુલેશન સર્જાયું છે.આ આકાશી આફત એટલાથી જ નથી અટકી, ગુજરાત, હરિયાણા અને લક્ષદ્વીપના વાયુમંડળ પર પણ અલગ-અલગ સ્તરે ચક્રવાતી સિસ્ટમો ધમધમી રહી છે, જ્યારે ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ ચૂકયું છે. આ તમામ પરિબળો ભેગા થતાં આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તરફ ભારે વિનાશક વેગ સાથે આગળ વધશે. ચોમાસાના આ પ્રચંડ આક્રમણની સૌથી વધુ અસર મહારાષ્ટ્રથી લઈને બિહાર અને દિલ્હીથી પશ્ચિમ બંગાળ સુધી જોવા મળશે.