ચાલુ સપ્તાહના અંતે ઈરાન પર હુમલો કરવાની ટ્રમ્પે નવી ધમકી આપી
વોશિંગ્ટન, તા.20
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી એકવાર સૈન્ય હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી છે, જેના કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી એકવાર મોરચો ખોલતા આગામી દિવસોમાં મોટા સૈન્ય હુમલા કરવાની જાહેરાત કરી છે.
બુધવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'હું આશા રાખું છું કે અમારે યુદ્ધની જરૂર ન પડે, પરંતુ ઈરાનને વધુ એક મોટો ઝટકો આપવો પડી શકે છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ નવો હુમલો ક્યારે થશે ?
ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આગામી બે-ત્રણ દિવસમાં એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં એક મર્યાદિત સમય માટે આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે ટ્રમ્પનું આ નિવેદન તેમના અગાઉના દબદબાથી તદ્દન વિપરીત છે. મંગળવારે જ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે યુએઈ જેવા ખાડી દેશોની વિનંતી અને આગ્રહના કારણે તેઓ હાલ પૂરતો ઈરાન પરનો હુમલો ટાળી રહ્યા છે.


