જૂનાગઢની ટ્રાફીક સમસ્યાનો કયારેય ઉકેલ નહીં આવે?

આડેધડ પાર્કિંગ, બેફામ દોડતા વાહનો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, અચાનક રસ્તા વચ્ચે વાહન ઉભુ રાખી દેવું જેવી ઘટના વારંવાર જાેવા મળે છે

જૂનાગઢની ટ્રાફીક સમસ્યાનો કયારેય ઉકેલ નહીં આવે?
AI Image

જૂનાગઢ તા.૧૨
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફીક સમસ્યા સર્જાયેલી છે. ટ્રાફીક નિયમોનાં ભંગ કરનારાઓ પોતાના વાહનો આડેધડ પાર્ક કરવા, રોંગ સાઈડમાં વાહન ઘુસાડી દેવું કે અચાનક પોતાનું વાહન રસ્તા વચ્ચે ઉભુ રાખી દેવાનાં બનાવો રોજીંદા બન્યા છે. નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી જનતામાંથી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં રસ્તાઓ ઉપર નાના-મોટા વાહનોની અવર-જવર સતત ચાલુ રહેતી હોય છે.  તેમાં પણ ટ્રાફીકથી ધમધમતા માર્ગો ઉપર કીડીયારૂ ઉભરાતું હોય તેવા દ્રશ્યો જાેવા મળતા હોય છે.
જૂનાગઢની બજારો તેમજ સાંકડા માર્ગો ઉપર અવરજવર  કરતી વખતે ખુબજ સાવધાની રાખવી પડે તેવી સ્થિતી પહેલાથીજ છે. શહેરનાં હાર્દ સમા મુખ્ય માર્ગો ઉપર તો પરિસ્થિતી વધુ ખરાબ બનતી હોય છે. શહેરનાં કાળવા ચોક, સરદાર પટેલ ચોક, કોલેજ રોડ,  દાતાર રોડ, જવાહર રોડ, એમ.જી. રોડ, આઝાદ ચોક, તળાવ દરવાજા, બસ સ્ટેશન રોડ, વૈભવ ફાટક, ગાંધી ચોક, રેલ્વે સ્ટેશન રોડ, ચિતાખાના ચોક, નરસિંહ મહેતા સરોવર રીંગ રોડ, પોષ્ટ ઓફીસ રોડ, પંચહાટડી ચોક, માલીવાડા રોડ, દીવાન ચોક, છાયા બજાર ઉપરાંત સરદારબાગ, મોતીબાગ, ટીંબાવાડી, મધુરમ, ઝાંઝરડા રોડ, ઝાંઝરડા ચોકડી, બાયપાસ રોડ સહીતનાં મુખ્ય માર્ગો સતત ટ્રાફીકથી ધમધમતા વિસ્તાર ગણાય છે. વિવિધ બજારોમાં ખરીદી માટે આવતા લોકો તેમનાં વાહનો, સ્થાનિક લોકો, વેપારીઓની અવરજવર  રહેતી હોય છે.
આ ઉપરાંત સરદારપરા, જાેષીપરા, ખામધ્રોળ રોડ, આરટીઓ રોડ, ખલીલપુર રોડ સહીતનાં માર્ગો ઉપર પણ સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. આમ જાેવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં વસ્તી અને વાહનોની દ્રષ્ટીએ પણ વધારો રહયો છે. જેને કારણે વાહનોની સતત અવર-જવર રહે છે. ટ્રાફીકથી ધમધમતા માર્ગો ઉપર દિવસ દરમ્યાન હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. જેમાં સ્થાનિક લોકો, વેપારીઓ, ખરીદી કરવા આવતા લોકો, સ્કુલે જતા બાળકો, ધાર્મિક સ્થળોએ દર્શન માટે જતાં લોકો, શાકભાજીની ખરીદી માટે નીકળતા લોકો, આમ શહેરનાં માર્ગો ઉપર લોકોની અવરજવર  સતત રહેતી હોય છે. આ માર્ગો ઉપર સ્કુટર, ખાનગી વાહનો, એસટીની બસો, સ્કુલ વાહનો, કાર, પેસેન્જર રીક્ષા, સાયકલ, એમ્બ્યુલન્સ, ઇમરજનસી ૧૦૮ સહીતનાં હજારો વાહનો દોડતા હોય છે. જેને કારણે ‘ટ્રાફીક ઝોન’ અનેક વિસ્તારો બન્યા છે. શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને કારણે રસ્તા ઉપર પસાર થવા માટે ખુબજ સાવધાની રાખવી પડે છે. રસ્તાઓ ઉપર આડેધડ વાહનોનાં પાર્કિંગ, રસ્તો રોકી દેતા હોય છે. તેમજ દોડતા વાહનો વચ્ચે કોઈ વાહન ચાલક અચાનક વાહન ઉભુ રાખી દે ત્યારે અકસ્માત થતા રહી જવાના બનાવો બને છે. ઉપરાંત કેટલાક માર્ગો ઉપર તો અનેકવાર ટ્રાફીક જામનાં દ્રશ્યો પણ સર્જાય છે. જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યા દીન પ્રતિદિન સતત વધી રહી છે. તેના કારણમાં ટ્રાફીકનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવું તે પણ એટલું જ સત્ય છે. તો તેની સાથે ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. શહેરમાં સરેઆમ ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરનારા સામે શા માટે પગલા લેવામાં આવતા નથી તેવો સવાલ આજે લોકોમાં ચર્ચાઈ છે. જૂનાગઢ શહેર ટ્રાફીક સમસ્યાનાં હલ માટેના અસરકારક પગલા ભરવામાં આવે તેવી લોકોની માંગ છે.