જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા પશુ-પંખીઓની અનોખી સેવા
ગિરનારી ગ્રુપ દ્વારા જીવદયા આધારિત પ્રવૃત્તિઓ સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને પ્રકૃતિ પ્રત્યેના સંવેદનાનો સંદેશ આપે છે. - ડૉ. પ્રતીક ટાંક (ઓર્થોપેડિક સર્જન, ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ)
જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તા. ૩૧ મંગળવારના રોજ મહાવીર જન્મ જયંતીના પાવન અવસરે આઝાદ ચોક, રેડક્રોસ ખાતે જીવ દયા અને પરોપકારના ભાવ સાથે અનોખી સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પક્ષીઓ માટે પક્ષીકુંજ, માળા તથા ગૌ માતાઓ સહિતના નિરાધાર પશુઓ માટે પીવાના પાણીની નાની-મોટી કુંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રવૃત્તિનો મુખ્ય હેતુ ગિરનારી ગ્રુપ દ્વારા "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા"ના મંત્ર સાથે સમાજમાં પ્રેરણા ફેલાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં પક્ષીઓ અને પશુઓને પાણી તથા આશ્રય મળવો અત્યંત જરૂરી હોય છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ જીવન બચાવનાર સાબિત થાય છે.
આ ઉપરાંત ગિરનારી ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુમાં વધુ પક્ષીકુંજ અને પાણીની વ્યવસ્થા સ્થાપિત કરવાની યોજના પણ હાથ ધરવામાં આવી છે, જેથી વધુ પ્રાણીઓ સુધી આ સેવા પહોંચી શકે. સંસ્થાએ નાગરિકોને પણ પોતાના ઘર-આંગણે પાણીના કુંડા મુકવા તથા પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા કરવા માટે અનુરોધ કર્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં ગિરનારી ગ્રુપના સભ્યો સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, દિનેશભાઈ રામાણી, નેહલભાઈ પોપટ, હરિભાઈ કારીયા, દિલીપભાઈ દેવાણી, સુધીરભાઈ અઢિયા, દોશીભાઈ, બિપિનભાઈ ઠકરાર, મનીષભાઈ રાજા, વિજયભાઈ દવે, યાત્રિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ મણિયાર, પીયૂષભાઈ કાછડીયા, યોગાનંદીબાપુ, રવજીભાઈ રિક્ષાવાળા, લલિતભાઈ ગેરીયા, કારિયાભાઈ સહિતના સેવાભાવી લોકોએ ઉત્સાહભેર જોડાઈ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. જ્યારે ત્રિમૂર્તિ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ. પ્રતીક ટાંકે જણાવાયું હતું કે, ગિરનારી ગ્રુપની આવી સેવા જીવદયા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને પ્રકૃતિ પ્રત્યેના સંવેદનાનો સંદેશ વ્યાપક રીતે ફેલાવે છે. તેમ યાદીના અંતે જણાવેલ હતું.


