જૂનાગઢમાં રસ્તાની કામગીરીને કારણે ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યું

આયોજન વિનાનાં રસ્તો બનાવવાની કામગીરીને લઈને લોકો પરેશાન - તત્કાલ કામગીરી પૂર્ણ કરવા માંગણી

જૂનાગઢમાં રસ્તાની કામગીરીને કારણે ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યું

જૂનાગઢ તા.૨૭
જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ અને દોમડીયાવાડી નજીક આવેલી ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓને રસ્તાની કામગીરીને કારણે અવરજવર માટેના બે દરવાજા બંધ હાલતમાં હોય જેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના રહેવાસીઓને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર દોમડીયાવાડી નજીક ગિરિકુંજ સોસાયટી આવેલ છે સોસાયટી તરફ જવાનો એક માર્ગ કોલેજ રોડઉપર નીકળે છે અને બીજાે માર્ગ જયશ્રી રોડ ઉપર નીકળે છે આ તરફ કોલેજ રોડના માર્ગ તેમજ જયશ્રી રોડના માર્ગ બેઠાપુલ વાળા રસ્તે થી ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓ તેમજ શહેરીજનો પણ અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા રહ્યા છે.
દરમ્યાન ઉપરોક્ત માર્ગને બનાવવાના ભાગરૂપે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે જેના કારણે આ બંને માર્ગ ઉપર થી પસાર થવા માટે કોઈ રસ્તો જ રહ્યો નથી ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓ તેમજ જાગૃત અગ્રણીઓ દ્વારા આ અંગે ભારે રોષ અને વ્યથા રજુ કરવામાં આવી છે રહેવાસીઓનું કહેવું છે કે ગિરિકુંજ સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝનો તેમજ રહેવાસીઓને અવરજવર માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આ અંગે મેયર તેમજ શાસકપક્ષના નેતાને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મેયર તેમજ શાસકપક્ષના નેતાએ લોકોની સમસ્યા ધ્યાને લઇ અને કામકરતી એજન્સીને આ બાબતે યોગ્ય કરવા જણાવેલ પરંતુ કામ કરતી એજન્સી દ્વારા હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી એટલેકે બંનેની સૂચના ધ્યાને લીધી નથી તેવી ફરિયાદ લોકોએ વ્યક્ત કરી છે.
વધુમાં રસ્તાની કામગીરી સબબ ખોદકામ કરવામાં આવેલ છે. અને અવરજવર માટે સોસાયટીના બને દરવાજા બંધ છે જેથી અહીંના રહેવાસીઓને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સિનિયર સિટિઝનોને તો ભારે મુશ્કેલી પડે છે અને બે થી ત્રણ બનાવો અકસ્માતના પણ બનવા પામ્યા છે.
રસ્તો બનાવતા પહેલા ડ્રાઇવર્ઝન કાઢવું જાેઈએ પરંતુ કાઢવામાં આવેલ નથી આ ઉપરાંત ચારેક દિવસ પહેલા ચેમ્બર બનાવવામાં આવી છે તે પણ એમની એમ પડી છે પૂરું કામ કર્યું નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
તહેવારો આવી રહ્યા છે ત્યારે વહેલી તકે રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની માંગણી ગિરિકુંજ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે.