જૂનાગઢમાં સીટી બસ સેવા શરૂ કરતા પહેલા શહેરનાં માર્ગોની મરામત કરો
જૂનાગઢ તા.14
જૂનાગઢ શહેરમાં આગામી સમયમાં શહેરીજનોને સીટી બસ સેવાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની જાહેરાત સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકરે કરી છે. અને જેને આવકારવામાં આવી રહેલ છે. નગરજનોને પરીવહન માટેની આ સુવિધા પ્રાપ્ત થાય તે સારી બાબત છે. પરંતુ સીટી બસ સેવા શરૂ કરતા પહેલા જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાઓની શીકલ પણ બદલાવવાની એટલી જ જરૂરીયાત છે. અને તે બાબતે પણ મનપા તંત્રએ તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવાની જરૂર છે.
જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ મોટા ભાગે સાંકળા છે. મુખ્ય માર્ગોમાં પણ અન્ય શહેરો કરતા પણ ઓછી પહોળાઈના રસ્તાઓ રહેલા છે. તેમજ હાલની સ્થિતિએ શહેરનાં મોટાભાગનાં રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે. ચોમાસુ હજુ બાકી છે તેવા સંજાેગોમાં સીટી બસ સેવા શરૂ કરતા પહેલા આ ખરાબ રસ્તાઓને સુધારવાની જરૂર છે. અમદાવાદ શહેરમાં એએમટીએસની બસો તેમજ રાજકોટ ખાતે બીઆરટીએસની જે બસો સતત દોડતી રહે છે અને શહેરીજનોને પરીવહન માટેની ખુબ જ સારી સુવિધા મળી રહી છે ત્યારે તેની સરખામણીમાં જૂનાગઢ શહેરની વાત કરીએ તો અહીં સીટી બસ સેવા શરૂ કરવાનાં અનેક અંતરાયો આવેલા છે. ખાસ કરીને રસ્તાનો મુદો ખુબ જ અટપટો છે. તેમજ ગીચ રસ્તાઓ વચ્ચે સીટી બસ સેવા માટેનું ફોલ્ડીંગ બસ સ્ટેશન બનાવવા માટેની જગ્યા શોધવી પડે તેમ છે. રાજકોટનો જ દાખલો લઈએ તો ગોંડલ ચોકડીથી માધાપુર ચોકડી સુધીનાં બસ રૂટ પર રસ્તાની સુવિધા પણ સારી છે અને પરીવહનનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહયું છે. જયારે જૂનાગઢમાં સૌ પ્રથમ તો કયા રૂટ પર બસને દોડાવવી તે બાબત પણ નકકી કરવાનું છે. અને તે અંગે પણ તંત્ર વાહકો દ્વારા રૂટ નકકી કરવા માટેની મથામણ કરવી પડે તેમ છે. જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી, કોલેજ રોડ, કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક, ચિતાખાના ચોક, કોર્ટ રોડ, મજેવડી દરવાજા તેમજ દોલતપરા ગેઈટ સુધીનાં આ માર્ગો પર બસ રૂટ નકકી થઈ શકે તેવી શકયતા છે. તેમજ મજેવડી દરવાજા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ગાંધીચોક, ઝાંઝરડા રોડ, સરદારબાગ સહીતનાં વિસ્તારોને આવરી લઈ શકાય તેમ છે. આ ઉપરાંત પણ કાળવા ચોકથી દાતાર રોડ, ગીરનાર દરવાજા, ભવનાથ સુધીનાં માર્ગ પર પણ બસ રૂટ નકકી થઈ શકે તેમ છે. રસ્તાઓની ખરાબ હાલતને કારણે સૌથી પહેલા રસ્તાઓને સુવ્યવસ્થિત બનાવી અને ત્યારબાદ વધુને વધુ લોકો પરીવહન સુવિધાનો લાભ લઈ શકે તે માટેની કાર્યવાહી કરવાની જરૂર છે. તેમજ પરીવહનની સુવિધામાં ભાડા દર પણ લોકો પાસેથી નજીવો લેવામાં આવે તો જ સીટી બસ સેવાની સુવિધા લોકો માટ ઉપયોગી બનશે તેવું ચર્ચાય રહયું છે.


