પોરબંદર એલ.સી.બી.ની કાર્યવાહી : છાયામાં ભેળસેળ યુક્ત ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩
કુતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામે ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપાયા બાદ તેની શાહી સુકાઈ નથી ત્યાં પોરબંદર શહેરમાં ફરી એક વખત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પોરબંદર એલ.સી.બી. એ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાયા ગાંધી આશ્રમ પાસે ભાડાના મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી સંગ્રહ કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ૧૩૫ કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી તથા ૭૩૪ કિલો વનસ્પતિ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે એલ.સી.બી. ટીમે બાતમીદારોને સક્રિય કરી ગુપ્ત માહિતી એકત્ર કરી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, જીતુભાઈ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને બાતમી મળી હતી કે છાયા ગાંધી આશ્રમ પાસે રહેતો નાગાજણ અરજણભાઈ દાસા ભાડાના મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી સંગ્રહ કરે છે. બાતમીના આધારે એલ.સી.બી. ટીમે ધીરૂભાઈ નાગાભાઈ ઓડેદરાના ભાડાના મકાનમાં તપાસ કરતા નાગાજણ અરજણભાઈ દાસા (ઉ.વ.૫૦) મળી આવ્યો હતો. મકાનના રૂમમાં તપાસ દરમિયાન ૧૫ કિલોની ક્ષમતાવાળા કુલ ૯ ડબ્બામાં ભરેલું કુલ ૧૩૫ કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી તેમજ હ્લઇઈજીૐ ર્ઝ્રં વનસ્પતિ ઘીના ૧૫ કિલોના કુલ ૪૯ બોક્સ મળી આવ્યા હતા, જેનો કુલ જથ્થો ૭૩૪ કિલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તાત્કાલિક ફૂડ સેફ્ટી ઓફિસર વી.જે. ભાટુને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ ઘીના જરૂરી સેમ્પલ તપાસ માટે કબજે કર્યા હતા. ત્યારબાદ ૧૩૫ કિલો શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી તથા ૭૩૪ કિલો વનસ્પતિ ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. આરોપી નાગાજણ અરજણ ભાઈ દાસા વિરૂદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી ભેળસેળયુક્ત ઘી બનાવી તેનું વેચાણ કરી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના ધરાવતી પ્રવૃત્તિ પર અસરકારક નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ, પોરબંદર એલ.સી.બી. દ્વારા પરંપરાગત ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપરાંત નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન તથા વેચાણ જેવી લોકોના આરોગ્યને સીધી અસર કરતી પ્રવૃત્તિઓ સામે પણ સતત નજર રાખી અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


